
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીંના ચેપૉક સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 206 રન બનાવ્યા હતા. ઇન-ફૉર્મ બૅટર શિવમ દુબે (51 રન, 23 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) ફરી એકવાર આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો.
ચેન્નઈની શરૂઆત બહુ સારી હતી. સરેરાશ 10.00ના વધુ રેટથી રન બન્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (36 બૉલમાં 46 રન) અને રાચિન રવીન્દ્ર (46 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) વચ્ચે 5.2 ઓવરમાં 62 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નઈના ક્રિકેટપ્રેમીઓના લાડલા રાચિને પાવરપ્લેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. અજિંક્ય રહાણેએ માત્ર 12 રન બનાવ્યા હતા, પણ તેની અને ગાયકવાડ વચ્ચે બીજી વિકેટ માટે 42 રનની પાર્ટનરશિપ થઈ હતી. રહાણેના ગયા બાદ દુબેએ આવતાવેંત ફટકાબાજી શરૂ કર્યા બાદ એક છેડો સંભાળી રાખ્યો હતો અને ડેરિલ મિચલ (20 બૉલમાં અણનમ 24) સાથે માત્ર 35 બૉલમાં 57 રનની ભાગીદારી કરી હતી.
ચેન્નઈએ 8.40 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદેલો ઉત્તર પ્રદેશનો સમીર રિઝવી બે સિક્સરની મદદથી છ બૉલમાં બનાવેલા માત્ર 14 રને આઉટ થયો હતો. તેણે બન્ને છગ્ગા વર્લ્ડ ક્લાસ સ્પિનર રાશિદ ખાનની બોલિંગમાં ફટકાર્યા હતા. તેને મોહિત શર્માએ ડેવિડ મિલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. માત્ર ત્રણ બૉલ બાકી હતા ત્યારે રિઝવી આઉટ થતાં જાડેજા મેદાન પર આવ્યો હતો અને તેણે એક ફોરની મદદથી સાત રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બૉલે એક રન દોડ્યા બાદ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી.
ગુજરાત વતી રાશિદ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ સાંઇ કિશોર, મોહિત અને સ્પેન્સરને મળી હતી. ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ચેન્નઈની ટીમમાં મહીશ થીકશાનાના સ્થાને મથીશા પથીરાનાને સમાવવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાતે વિનિંગ ઇલેવન જાળવી રાખી હતી.