મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે જોરદાર ટક્કર થશે એમાં કોઈ શંકા નથી. એના મુખ્ય બે કારણ એ છે કે બન્ને ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે. બીજું, બેઉ ટીમ આ સીઝનમાં હજી સુધી માત્ર એક-એક મૅચ જીતી છે એટલે બીજા વિજયની તલાશમાં છે અને એ માટે તેમના ખેલાડીઓ ‘મરતે દમ તક’ લડી શકે. બુધવારની જ મૅચની વાત કરીએ. રાજસ્થાન રૉયલ્સના હાથમાંથી ગુજરાત ટાઇટન્સના રાહુલ તેવટિયા અને રાશીદ ખાને જે રીતે બાજી છીનવી લીધી એ જોતાં આ સીઝનમાં વધુ એક મૅચનું પરિણામ છેલ્લા બૉલ પર નક્કી થયું અને આજે મુંબઈ-બેન્ગલૂરુના જંગમાં પણ થાય તો નવાઈ નહીં લાગે.
મુંબઈ અને બેન્ગલૂરુના બૅટર્સે બુધવારે ખાસ કરીને સ્પિન બોલર્સ સામે વધુ પ્રૅક્ટિસ કરી હતી અને પ્રેસ બૉક્સ નીચેના સ્ટૅન્ડમાં બૉલ વારંવાર આવ્યો એનું એક જ કારણ હતું કે બૅટર્સે સ્પિન નેટ બોલર્સની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરી હતી. નેટમાં બેન્ગલૂરુના કૅપ્ટન ફાફ ડુ પ્લેસી તેમ જ ગ્લેન મૅક્સવેલ, કૅમેરન ગ્રીન, મહિપાલ લૉમરૉર, રજત પાટીદાર, ટૉમ કરૅેન અને સુયશ પ્રભુદેસાઈએ ખૂબ ફટકાબાજી કરીને વારંવાર ચોક્કા-છગ્ગા ફટકાર્યા હતા.
વાનખેડેમાં 2021થી અત્યાર સુધીમાં મિડલ ઓવર્સમાં (સાતથી સોળમી ઓવર સુધીમાં) સ્પિનર્સનો ઇકોનોમી-રેટ 7.82 રહ્યો છે જે બતાવે છે કે તેમની બોલિંગમાં ખૂબ ફટકાબાજી થઈ હતી.
યાદ રહે, વિરાટ કોહલીને મુંબઈનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચાર વખત અને સ્પિનર પીયૂષ ચાવલા ત્રણ વાર આઉટ કરી ચૂક્યો છે. જોકે બન્ને સામે કોહલીનો સ્ટ્રાઇક-રેટ (100 બૉલ દીઠ બનાવેલા રન) પણ સારો છે. બુમરાહ સામે 152.00 અને ચાવલા સામે 130.00.
રોહિત શર્મા અને ઇશાન કિશનની જોડીએ મુંબઈ વતી 1,200થી વધુ રન બનાવ્યા છે અને મુંબઈની ઓપનિંગ જોડીઓમાં તેઓ 1,203 રન સાથે બીજા નંબરે છે. રોહિત અને ડિકૉક વચ્ચે 1,269 રન બન્યા છે. એ જોતાં, આજે રોહિત-કિશન જોડીમાં 67 રન બનાવશે તો પ્રથમ સ્થાને આવી જશે.
બેન્ગલૂરુનો મોહમ્મદ સિરાજ આઇપીએલમાં કિશનને બે વાર આઉટ કરી ચૂક્યો છે, પણ હજી સુધી રોહિતની વિકેટ નથી લઈ શક્યો. બીજી તરફ, સિરાજ સામે સૂર્યકુમારનો 225.92નો જબરદસ્ત સ્ટ્રાઇક-રેટ (27 બૉલમાં 61 રન) છે.
મુંબઈ અને બેન્ગલૂરુની આજની સંભવિત પ્લેઇંગ-ઇલેવન ખૂબ રસપ્રદ છે:
મુંબઈ: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, જેરાલ્ડ કૉએટ્ઝી, પીયૂષ ચાવલા અને જસપ્રીત બુમરાહ. (12મો પ્લેયર આકાશ મઢવાલ અથવા શમ્સ મુલાની).
બેન્ગલૂરુ: ફાફ ડુ પ્લેસી (કૅપ્ટન), વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રજત પાટીદાર, ગ્લેન મૅક્સવેલ/વિલ જૅક્સ, કૅમેરન ગ્રીન, સૌરવ ચૌહાણ/સુયશ પ્રભુદેસાઈ, રીસ ટૉપ્લી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ. (12મો પ્લેયર હિમાંશુ શર્મા અથવા મહિપાલ લૉમરૉર).
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે