રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, આ ઘટનાને ઘણા કલાકો વીતી ગયા છે. દુનિયા આગળ વધી ગઇ છે, તેમ છતાં હજુપણ સોશિયલ મીડિયાની ટ્રોલ ગેન્ગ મેચના મુદ્દે અલગ અલગ કારણોસર લોકોને ટાર્ગેટ કરી રહી છે. કેટલાક ટ્રોલર્સે ગ્લેન મેક્સવેલની દક્ષિણ ભારતીય મૂળિયા ધરાવતી પત્ની વિનીને નિશાન બનાવતા તેને ભારતીય હોવા છતાં પતિની ટીમને સપોર્ટ કરવા બદલ ભારે ટ્રોલ કરી છે.
જો કે વિનીએ ટ્રોલર્સથી ડર્યા વગર સોશિયલ મીડિયામાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. વિનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, મને વિશ્વાસ નથી આવતો કે મારે આ કહેવું પડે છે પણ, તમે ભારતીય હોવા છતાં પણ અન્ય દેશને, જ્યાં તમારો જન્મ અને ઉછેર થયો છે એ દેશને સપોર્ટ કરી શકો છો, અને એથીય અગત્યનું જે દેશની ટીમમાં તમારો પતિ-તમારા સંતાનનો પિતા રમત રમી રહ્યો હોય, એ દેશની ટીમને સમર્થન આપી શકો છો. આ બાબતે ચિંતા કર્યા વગર બીજા મહત્વના મુદ્દાઓ અંગે બળાપો ઠાલવો.”
મેક્સવેલની પત્ની વિની રમન ભારતીય મૂળની છે, પરંતુ તેનો જન્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો અને તે ઓસ્ટ્રેલિયામાં જ ઉછરી છે, આથી તે ત્યાંની નાગરિક છે. મેક્સવેલ અને વિની રમને લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ માર્ચ 2022માં લગ્ન કર્યા હતા. વિનીના પરિવારજનો તમિલ છે. મેક્સવેલ અને વિનીએ પહેલા ક્રિશ્ચિયન અને પછી તમિલ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.