મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે સાંજે એક એવો ઈતિહાસ રચાઈ ગયો કે જેની કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી હોય. આ પીચ પર એક એવો કરિશ્મા જોવા મળ્યો જેણે જોયો તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સેવેલે વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી આશ્ચર્યચકિત કરનારી અને શાનદાર ઈનિંગ રમીને ટીમને જિતાડી હતી. મેક્સવેલે જેટલી મુશ્કેલી વચ્ચે પણ દમદાર પર્ફોર્મન્સ આપ્યું તેના આ જુસ્સાએ આ ઘટનાને વધુ ખાસ બનાવી હતી. હવે માસ્ટર બ્લાસ્ટર સચિને આવું કઈ રીતે બન્યું એના રહસ્ય પરથી પડદો ઉઠાવતા કહ્યું હતું કે જેને કારણે મેક્સવેલને દુઃખાવો થઈ રહ્યો હતો એ જ દુઃખાવાએ તેને મદદ પણ કરી હતી.
વર્લ્ડકપ-2023માં થનારી મોટી ઉથલપાથલનો શિકાર બનવાના આરે પહોંચી ગયેલી પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી જીત મળી હતી. અફઘાનિસ્તાન સામે એક સમયે 91 રન પર 7 વિકેટ ગુમાવનાર ઓસ્ટ્રેલિયન ટીમને મેક્સેવેલ 201 રનની ઈનિંગ રમીને ટીમને જિતાડી હતી. જોકે, આ ઈનિંગ વખતે મેકસવેલના પગમાં અને પીઠમાં દુઃખાવો પણ થયો હતો અને એને કારણે તે રન માટે દોડી પણ નહોતો શક્યો.
મેક્સવેલને આ ઈનિંગ રમતી વખતે અનેક વખત મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડી અને પછી તેણે ફોર અને સિક્સ મારીને ટીમને જીત અપાવી હતી. હવે દિગ્ગજ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કઈ રીતે ક્રેમ્પ્સે મેક્સવેલની મદદ કરી અને આટલી સારી ઈનિંગ તે રમી શક્યો એના વિશે ખુલાસો કર્યો હતો. સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પર એક પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે ક્રિકેટ અને લાઈફમાં ઘણી બધી સમાનતાઓ છે, કારણ કે સ્પ્રિંગની જેમ ક્યારેય જે વસ્તુ તમને પાછળ ખેંચે છે એ જ વસ્તુ તમને આગળ વધવામાં પણ મદદ કરે છે.
પોતાની પોસ્ટમાં આગળ સચિને મેકસવેલની ઈનિંગ અને ટેક્નિકના પાસાંઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ક્રેમ્પ્સને કારણે મેક્સવેલનનું ફૂટવર્ક સીમિત રહી ગયો હતો અને તેથી એણે ક્રીઝની અંદર જ ઊભું રહેવું પડતું હતું. સચિને એનો ફાયદો જણાવતા કહ્યું હતું કે ફૂટવર્ક સીમિત હોવાે કારણે મેક્સવેલને પોતાનું માથું સ્થિર રાખવામાં મદદ મળી હતી અને તેથી એ બોલને વધુ સારી રીતે જોઈ શકતો હતો. પરિણામે તેનો હેન્ડ આઈ કોર્ડિનેશન એટલે કે રિએક્શન એકદમ દમદાર હતું. જેને કારણે મેક્સવેલને દુઃખાવો થઈ રહ્યો હતો એ જ પરિબળોએ તેને સારી અને યાદગાર ઈનિંગ રમવામાં મદદ કરી હોવાનું સચિને વધુમાં જણાવ્યું હતું.
Taboola Feed