(1) રચિન રવીન્દ્ર (ચેન્નઈ): 1.80 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ન્યૂ ઝીલૅન્ડના આ ઑલરાઉન્ડરે તાજેતરના વન-ડે વર્લ્ડ કપમાં તેના જ દેશના પીઢ ખેલાડી કેન વિલિયમસન જેટલા વિક્રમજનક રન (578) બનાવીને સૌ કોઈને વિચારતા કરી દીધા હતા. ઊલટાનું, વિલિયમસનની બે સેન્ચુરી સામે રાચિનની ત્રણ હતી. આઇપીએલમાં તેને પોતાના જ દેશના આક્રમક ઓપનર ડેવૉન કૉન્વેના સ્થાને ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ સ્ક્વૉડમાં સમાવ્યો છે. રાચિન પાવર-હિટર નથી, પણ ઓપનિંગમાં પોતાની કુશળતાથી ઋતુરાજ ગાયકવાડને બહુ સારો સાથ આપી શકશે. ચેન્નઈને રાચિનના લેફ્ટ-આર્મ ફિંગરસ્પિનનો પણ સારો સપોર્ટ મળશે.
(2) સમીર રિઝવી (ચેન્નઈ): 8.40 કરોડ રૂપિયામાં મેળવવામાં આવેલો આ હાર્ડ-હિટર ‘રાઇટ-હૅન્ડ રૈના’ તરીકે જાણીતો છે. ચેન્નઈ સુપર કિંગ્સને સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર શરૂઆત ન કરનાર ઓછા ખેલાડીઓને પોતાની સ્ક્વૉડમાં સમાવવાની આદત નથી, પણ ફક્ત સાત ફર્સ્ટ-ક્લાસ મૅચ રમનાર ઉત્તર પ્રદેશના આક્રમક બૅટર રિઝવીને ઑક્શનમાં તોતિંગ ભાવે ખરીદીને એણે બધાને ચોંકાવી દીધા હતા. ઑક્ટોબરમાં તેણે દેહરાદૂનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તામિલનાડુ સામે પાંચ સિક્સર અને છ ફોરની મદદથી અણનમ 75 રન બનાવીને ઉત્તર પ્રદેશને એકલા હાથે વિજય અપાવીને સનસનાટી મચાવી દીધી હતી. એક ટૂર્નામેન્ટમાં કાનપુરની ટીમ વતી સૌથી વધુ સિક્સર, સીકે નાયુડુ ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી તેની તાજેતરની બે સિદ્ધિઓ છે.
(3) જેરાલ્ડ કોએટ્ઝી (મુંબઈ): 5.00 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા આ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલરને 2021માં કોરોનાની મહામારીના સમયકાળ દરમ્યાન રાજસ્થાન વતી રમવાની તક મળતાં-મળતાં રહી ગઈ હતી. કલાકે 150 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી શકતા કોએટ્ઝીએ ઑક્ટોબરના વર્લ્ડ કપમાં આઠ મૅચમાં 20 વિકેટનો દમદાર પર્ફોર્મન્સ બતાવ્યો હતો. લેગકટર સહિતના વૅરિએશન્સ સાથે બોલિંગ કરવામાં કાબેલ આ રાઇટ-આર્મ ફાસ્ટ બોલર થોડાઘણા રન પણ બનાવી શકે છે. 2023ની સાઉથ આફ્રિકા ટી-20 લીગમાં કોએટ્ઝીને જોબર્ગ સુપર કિંગ્સે ઓપનિંગના પિંચ-હિટર તરીકે ઉપયોગમાં લીધો હતા.
(4) નુવાન થુશારા (મુંબઈ): 4.80 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા આ રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલરની બોલિંગ ઍક્શન તેના જ દેશના લેજન્ડરી બોલર લસિથ મલિન્ગા જેવી છે. મલિન્ગા બોલિંગ ઍક્શન ‘સ્લિંગ’ તરીકે ઓળખાતી હતી જેનાથી તેણે ભલભલા બૅટર્સને મુસીબતમાં મૂકી દીધા હતા. હવે ડગઆઉટમાં બેસનાર મલિન્ગાના જ આશીર્વાદ સાથે થુશારા મુંબઈ વતી એ જવાબદારી સંભાળશે. તેણે તાજેતરમાં જ બંગલાદેશ સામેની ટી-20માં હૅટ-ટ્રિક સહિત પાંચ વિકેટ લઈને શ્રીલંકાને જિતાડ્યું હતું. એક તરફ ચેન્નઈની ટીમ ‘સ્લિંગ’ ફાસ્ટ બોલર મથીશા પથિરાનાની ઈજાથી ચિંતિત છે ત્યાં બીજી બાજુ મુંબઈને થુશારાના ‘સ્લિંગ’ બૉલનો સારો લાભ મળશે.
(5) અઝમતુલ્લા ઓમરઝાઈ (ગુજરાત): માત્ર 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદવામાં આવેલો આ ઑલરાઉન્ડર ‘અફઘાનિસ્તાનના હાર્દિક પંડ્યા’ તરીકે ઓળખાય છે, કારણકે તે નવા બૉલથી પેસ બોલિંગ આક્રમણ શરૂ કરવા ઉપરાંત નીચલા ક્રમે સારી બૅટિંગ પણ કરી શકે છે. ઑક્ટોબરના વર્લ્ડ કપમાં સચિન તેન્ડુલકર તેની રિસ્ટ પૉઝિશનથી ખૂબ પ્રભાવિત થયો હતો અને ત્યારે તેની સરખામણી ભુવનેશ્ર્વર કુમાર અને પ્રવીણ કુમાર સાથે થતી હતી. વિશ્ર્વ કપમાં વાનખેડેમાં ઓમરઝાઈએ વૉર્નરને ઇનસ્વિંગરથી આઉટ કર્યા બાદ જૉશ ઇંગ્લિસનો આઉટસ્વિંગરથી શિકાર કર્યો હતો, પણ મૅક્સવેલે હૅટ-ટ્રિક ટાળીને અણનમ ડબલ સેન્ચુરી (201) સાથે ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું હતું. તાજેતરમાં પેશાવરની ટીમમાં બાબર આઝમ પાસેથી ઘણું નવું શીખી ચૂક્યો છે. 23 વર્ષનો ઓમરઝાઈ આ વખતે સારું રમીને આવતા વર્ષની આઇપીએલમાં કરોડો રૂપિયા કમાઈ શકશે.
(6) સ્પેન્સર જૉન્સન (ગુજરાત): 10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરની હાલમાં વિશ્ર્વભરની ટી-20 સર્કિટમાં ખૂબ ડિમાન્ડ છે. બે વર્ષ પહેલાં તેની પાસે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો કોઈ કૉન્ટ્રૅક્ટ નહોતો ત્યારે તે લૅન્ડસ્કેપ ગાર્ડન, ગૉલ્ફ કોર્સ તથા ગાર્ડનની સારસંભાળ રાખવા સહિતના કામમાં વ્યસ્ત હતો. છ ફૂટ ચાર ઇંચ ઊંચો આ બોલરના એક્સ્ટ્રા-બાઉન્સના બૉલ એવા ઍન્ગલવાળા હોય છે જેમાં બૅટર માટે મોટી મુસીબત ઊભી થઈ શકે છે. ગુજરાતને ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની મદદ નહીં મળે એટલે કૅપ્ટન ગિલ અને કોચ નેહરાને સ્પેન્સર ઘણો કામ લાગશે.
(7) કુમાર કુશાગ્ર (દિલ્હી): હરાજીમાં 7.20 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદવામાં આવેલો ઝારખંડનો આ 19 વર્ષીય વિકેટકીપર આક્રમક બૅટિંગ પણ કરે છે. તેણે પ્રથમ કક્ષાના સ્તરે 50 જેટલી મૅચમાં કુલ 50-પ્લસ સિક્સર અને 200 જેટલી ફોર ફટકારી હતી. રિષભ પંત જો વિકેટકીપિંગ નહીં કરી શકે તો દિલ્હીને કુશાગ્ર ખૂબ કામ લાગશે. દિલ્હીના ફ્રૅન્ચાઇઝીનો ડિરેકટર સૌરવ ગાંગુલી કુશાગ્રના ફર્સ્ટ-ક્લાસ પર્ફોર્મન્સથી ખૂબ પ્રભાવિત થયો છે.