
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ દસ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં ભલે છેક નવમા સ્થાને હોય, પરંતુ બીજા નંબર પર બિરાજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈનો રેકૉર્ડ અવ્વલ દરજ્જાનો છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં બન્ને ટીમ વચ્ચે જોરદાર જંગ છે.
વાનખેડેમાં મુંબઈની ટીમનો કોલકાતા સામે 71.8નો વિનિંગ રેશિયો છે. આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં કોઈ બીજી બે ટીમ વચ્ચેનો કે મુંબઈનો અન્ય કોઈ ટીમ સામેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ આટલો ઊંચો નથી. 2008થી 2023 સુધીમાં વાનખેડેમાં મુંબઈ-કોલકાતા વચ્ચે કુલ 10 મૅચ રમાઈ છે જેમાંથી નવ મૅચ મુંબઈએ અને એક મૅચ કોલકાતાએ (2012માં) જીતી છે. વાનખેડે આમ તો બૅટર્સ માટે ‘મોકળું મેદાન’ મનાય છે, પરંતુ આ બન્ને હરીફ ટીમ વચ્ચે જે 10 મૅચ રમાઈ છે એમાં 185 રન હાઈએસ્ટ ટીમ-સ્કોર રહ્યો છે અને 67 રન લોએસ્ટ સ્કોર નોંધાયો છે.
આ વખતની સીઝનમાં અનેક વાર 200 કે 200-પ્લસનો સ્કોર 31 વખત નોંધાયો છે એટલે આજે વધુ એક વાર બેમાંથી કોઈ ટીમ કે બન્ને ટીમ 200-પ્લસ રન બનાવશે તો નવાઈ નહીં લાગે, પણ થોડા દિવસથી આ સીઝનમાં પિચ તૈયાર કરવામાં ‘ટર્ન’ જોવા મળ્યો છે, બૅટર્સના બૅટ પર કાબૂ આવી ગયો છે અને ઘણી મૅચો ‘બોલર્સ મૅચ’ થવા લાગી છે એ જોતાં આજની મૅચ લો-સ્કોરિંગ કે સાધારણ સ્કોરવાળી થશે તો નવાઈ નહીં લાગે.
વાનખેડેમાં મુંબઈ સામે કોલકાતાને માત્ર 2012માં એક મૅચ (બુધવાર, 16મી મે) જીતવા મળી હતી જેમાં સુનીલ નારાયણ (3.1-0-15-4)નું સૌથી મોટું યોગદાન હતું. મુંબઈનો 32 રનથી પરાજય થયો હતો.
મુંબઈ આજે કોલકાતા સામે હારી જાય તો પણ મુંબઈને પ્લે-ઑફમાં જવાનો મોકો મળી શકે એમ છે. મુંબઈના 6 પૉઇન્ટ છે. આજે હારે તો એના 6 પૉઇન્ટ જ રહે. જોકે પછીની ત્રણેય લીગ મૅચ જીતે તો મુંબઈના 12 પૉઇન્ટ થાય અને અન્ય કેટલીક મૅચોના પરિણામો એની તરફેણમાં રહ્યા કરે તો છથી સાત ટીમ 12-12 પૉઇન્ટ પર ભેગી થાય અને એમાં મુંબઈનો નેટ રનરેટ જો સૌથી ઊંચો હોય તો એને પ્લે-ઑફમાં જવા મળે.
દરમ્યાન, રોહિત શર્મા આજે 29 રન બનાવશે એટલે ટી-20માં તેના 12,000 રન પૂરા થશે.