IPL 2024સ્પોર્ટસ

વિલ, વિરાટ અને વિક્ટરી: બૅન્ગલોરે આસાન વિજયને રોમાંચક બનાવી નાખ્યો

કોહલીની સેન્ચુરીની રાહ જોવાતી હતી ત્યાં વિલ જૅક્સે આતશબાજી કરીને છગ્ગા સાથે સદી પૂરી કરી: તેના પહેલા 17 બૉલમાં માત્ર 17 રન અને પછીના 24 બૉલમાં 83 રન

અમદાવાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 24 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવીને આ સીઝનમાં ત્રીજી જીત નોંધાવી હતી. જોકે દસમાંથી સાત મૅચ હારી ચૂકેલી આ ટીમ આ વિજય છતાં પણ પૉઇન્ટ્સ-ટેબલમાં છ પૉઇન્ટ અને -0.415ના રનરેટ સાથે તળિયે (10મા નંબરે) હતી. ગુજરાત (8 પૉઇન્ટ, -1.113નો રનરેટ)ની ટીમ સાતમા સ્થાને હતી.

બેન્ગલૂરુએ 201 રનના લક્ષ્યાંક સામે 19 ઓવરમાં એક વિકેટે 206 રન બનાવ્યા હતા. હજારો પ્રેક્ષકો ઓપનર વિરાટ કોહલી (70 અણનમ, 44 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની સેન્ચુરીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમને વનડાઉન બૅટર વિલ જૅક્સ (100 અણનમ, 41 બૉલ, દસ સિક્સર, પાંચ ફોર)ની રોમાંચક બૅટિંગ અને મૅચના આખરી બનેલા બૉલે (16મી ઓવરના છઠ્ઠા બૉલે) તેની ધમાકેદાર સદી માણવા મળી હતી. જૅક્સે પહેલા 17 રન ફક્ત 17 બૉલમાં બનાવ્યા હતા, પરંતુ પછીના 83 રન બનાવવા તેણે માત્ર 24 બૉલ લીધા હતા.


આ પણ વાંચો:
આ બે ક્રિકેટરો સાથે રોહિત શર્મા ક્યારેય રૂમ શેર નહીં કરે, જાણો કારણ….

15મી ઓવરને અંતે બેન્ગલૂરુનો સ્કોર એક વિકેટે 177 રન હતો અને જીતવા બીજા 24 રન બનાવવાના હતા. અહીં મુદ્દો એ હતો કે વિલ જૅક્સ ત્યારે 72 રન પર હતો અને કોહલી 69 રને રમી રહ્યો હતો. બેન્ગલૂરુ માટે ફક્ત 24 રન બાકી હતા એટલે બેમાંથી કોઈની પણ સદી થવાની સંભાવના બહુ જ ઓછી હતી. જોકે વિલ જૅક્સે જાદુ કરી દેખાડ્યા હતો અને એમાં તેને કોહલીનો સાથ મળ્યો હતો.જૅક્સે ગુજરાતના મુખ્ય બોલર્સમાંના એક રાશીદ ખાનની ઓવરમાં 28 રન ઝૂડી કાઢ્યા હતા. ઓવરના પ્રથમ બૉલમાં કોહલીએ એક રન લઈને જૅક્સને સદી પૂરી કરવાની જાણે તક આપી હતી. ચૅલેન્જ બહુ ગંભીર હતી, પણ જૅક્સે એમાં સફળતા મેળવી હતી. તેણે રાશીદના બીજા જ બૉલથી ધમાકા બોલાવાના શરૂ કરી દીધા હતા. પછીના ચાર બૉલમાં તેણે 6, 6, 4 અને 6ના સ્કોરિંગ-શૉટ સાથે પોતાને સેન્ચુરીની લગોલગ લાવી દીધો હતો. ત્યારે જૅક્સના ખાતે 94 રન હતા. બેન્ગલૂરુના 200 રન થઈ ચૂક્યા હોવાથી જીતવા માત્ર એક રન બાકી હતો. જૅક્સે એ બૉલમાં પણ સિક્સર ફટકારી અને સેન્ચુરી પૂરી અને સામા છેડેથી કોહલી આનંદિત મૂડમાં દોડી આવીને તેને ભેટી પડ્યો હતો. જૅક્સ અને કોહલીએ જાણે રાશીદની બોલિંગની મજાક ઉડાડી હોય એ રીતે વિનિંગ-સિક્સર અને જીત સેલિબ્રેટ કરી હતી.


આ પણ વાંચો:
Archery world cup-2024: ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં ઇટાલીને હરાવ્યું

જૅક્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
એ પહેલાં, કોહલી અને કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (24 રન, 12 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચે 40 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ગુજરાતના છ બોલરમાં એકમાત્ર સાંઇ કિશોરને એક વિકેટ મળી હતી. મોહિત શર્મા ફરી એકવાર ખર્ચાળ સાબિત થયો. તેની બે ઓવરમાં 41 રન બન્યા હતા. રાશીદ ખાન (4-0-51-0) સૌથી ખર્ચાળ પુરવાર થયો હતો.

એ અગાઉ, ગુજરાત ટાઇટન્સે પ્રથમ બૅટિંગ મળ્યા પછી ખરાબ શરૂઆત કર્યા બાદ છેવટે ત્રણ વિકેટના ભોગે 200 રન બનાવ્યા હતા.

લેફ્ટ-ઍન્ડ બૅટર સાંઇ સુદર્શન (84 અણનમ, 49 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) 16 રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેની આ સતત બીજી હાફ સેન્ચુરી ગુજરાત માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી. તેની અને એમ. શાહરુખ ખાન (58 રન, 30 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ હતી. બૅટિંગ-ઑર્ડરમાં પ્રમોટ કરવામાં આવેલા શાહરુખ ખાનની આ પહેલી જ હાફ સેન્ચુરી હતી. ઓપનિંગમાં વૃદ્ધિમાન સાહા (પાંચ રન) ફરી એકવાર અને કૅપ્ટન શુભમન ગિલ (19 બૉલમાં 16 રન) સતત ચોથી મૅચમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયો હતો. ગિલની વિકેટ કમબૅકમૅન ગ્લેન મૅક્સવેલે લીધી હતી. ડેવિડ મિલરે (26 અણનમ, 19 બૉલ, એક સિક્સર, બે ફોર) સુદર્શન સાથે ચોથી વિકેટ માટે 69 રનની અતૂટ પાર્ટનરશિપ કરી હતી. મૅક્સવેલ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને સ્વપ્નિલ સિંહે પણ એક-એક વિકેટ લીધી હતી.
બેન્ગલૂરુના કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બેન્ગલૂરુનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ માનસિક અને શારીરિક રીતે અત્યંત થાક અનુભવ્યા બાદ બે અઠવાડિયાના બ્રેક પર ઉતરી ગયો હતો, પરંતુ ગુજરાત સામેની આ મૅચથી પાછો રમવા આવી ગયો હતો. ગુજરાતે અગાઉની મૅચની જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button