IPL 2024

IPL-24 : ગૌતમ ગંભીરની આ ફૉર્મ્યૂલા કોલકાતા (KKR)ને જિતાડી શકે, હૈદરાબાદ (SRH)ના હોશ-કોશ ઉડાડી શકે

ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 2012 અને 2014માં ટ્રોફી જીત્યા બાદ હવે આજે ત્રીજું ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે. જોકે ફેવરિટ તો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પણ છે, કારણકે 2016ની સીઝનમાં પહેલી વાર ટ્રોફી જીત્યા પછી આ વખતે તો બધા જાણે જ છે કે આ ટીમ જબરદસ્ત બૅટિંગ પર્ફોર્મન્સના જોરે પહેલાં ટૉપ-ફોરમાં, પછી ટૉપ-ટૂમાં અને ત્યાર બાદ ફાઇનલ સુધી પહોંચી છે. આજે હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ નવી અને નોખી વ્યૂહરચના સાથે આવશે તો સામા છેડે કોલકાતાનો સુકાની શ્રેયસ ઐયર (Shreyas Iyer) પણ પાક્કી તૈયારી કરીને જ મેદાન પર ઊતરશે. મુદ્દાની વાત એ છે કે શ્રેયસને ભૂતપૂર્વ ચૅમ્પિયન કૅપ્ટન ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની અને વર્તમાન ટીમના મેન્ટર ગૌતમ ગંભીરની ખાસ ફૉર્મ્યૂલાની મદદ મળી જ હશે.

આ પણ વાંચો: IPL Final: કુંબલે અને શેન વોટસને ફાઈનલ પહેલા આ ટીમની તરફેણ કરી, જાણો શું કહ્યું

કોલકાતાની ટીમ આ વખતે પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લે નંબર-વન રહ્યા બાદ ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. યોગાનુયોગ, એણે હૈદરાબાદને ક્વૉલિફાયર-વનમાં હરાવીને નિર્ણાયક મૅચમાં પ્રવેશ કર્યો અને હવે એનો જ સામનો કરવાનો છે.

ખાસ વાત એ છે કે કોલકાતાની રણનીતિમાં ગંભીરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. ગંભીરની એક વિશેષ ફૉર્મ્યૂલા ટીમને ઘણી મદદરૂપ થઈ છે. સ્વાભાવિક છે કે શાહરુખ ખાન, જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાએ ગંભીરની કેટલીક ખાસિયતો જાણીને જ તેને આ સીઝન પહેલાં ટીમનો મેન્ટર બનાવ્યો હતો અને તેમની ગંભીર વિશેની ગણતરી કારગત નીવડી રહી છે.
કોલકાતાએ આ વખતે કૅરિબિયન ઑલરાઉન્ડર સુનીલ નારાયણને ઓપનિંગમાં રમવાની ઘણી તક આપી છે અને એનાથી ટીમને ખૂબ ફાયદો પણ થયો છે. નારાયણે ઘણી મૅચોમાં વિસ્ફોટક બૅટિંગ કરી અને ટીમને જિતાડવામાં મોટા યોગદાનો આપ્યા. નારાયણને ગંભીર થકી જ ઓપનિંગમાં રમવાનો મોકો મળ્યો અને નારાયણે તેની મેન્ટરશિપને સફળ બનાવવામાં આડકતરી ભૂમિકા ભજવી. નારાયણને ઓપનિંગમાં તક આપતા રહેવાની ગંભીરની ફૉર્મ્યૂલા હિટ રહી. નારાયણે 13 મૅચમાં 482 રન બનાવ્યા જેમાં એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સામેલ છે. એ સાથે, તેણે કુલ 16 વિકેટ પણ લીધી. ટૂંકમાં, નારાયણ આ વખતે ખરા અર્થમાં ઑલરાઉન્ડરના રૂપમાં જોવા મળ્યો.

આ પણ વાંચો: IPL – 24 : વર્લ્ડ કપનો એકેય ભારતીય ખેલાડી રવિવારની બ્લૉક બસ્ટર ફાઇનલમાં નથી

કોલકાતાએ 23 માર્ચે પોતાની પહેલી જ લીગ મૅચમાં ઈડન ગાર્ડન્સમાં હૈદરાબાદને ચાર રનથી હરાવ્યું હતું. એમાં આન્દ્રે રસેલ (પચીસ બૉલમાં સાત સિક્સર, ત્રણ ફોરની મદદથી અણનમ 64 રન) અને રાહુલ ત્રિપાઠી (20 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી.

કોલકાતાએ ત્યાર બાદ પ્લે-ઑફના ક્વૉલિફાયર-વનમાં હૈદરાબાદને આઠ વિકેટે હરાવી દીધું હતું. હૈદરાબાદની ટીમ એ હાર બાદ એલિમિનેટરમાં પહોંચી જ્યાં જ્યાં એણે રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો: IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ

કોલકાતા માટે આ વખતે સૌથી વધુ રન સુનીલ નારાયણે (482) બનાવ્યા છે. ઇંગ્લૅન્ડનો ઓપનર ફિલ સૉલ્ટ (435 રન) પણ ખૂબ સારું રમ્યો, પણ તે પાકિસ્તાન સામેની સિરીઝ માટે પાછો જતો રહ્યો છે. જૉસ બટલર પણ પાછો ગયો એનો ફટકો રાજસ્થાનને પડ્યો જેમાં એનો એલિમિનેટરમાં હૈદરાબાદ સામે પરાજય થયો હતો. કોલકાતા પ્રાર્થના કરશે કે ફાઇનલમાં એને સૉલ્ટની ગેરહાજરી ન નડે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button