IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS AUS: ભારતનો શરમજનક પરાજય, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન

અગિયારમી મેચમાં ટીમ ઈન્ડિયા થઈ પરાસ્ત, દેશવાસીઓનું સપનું ચકનાચૂર

અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં કાંગારુ ટીમ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજની મેચમાં ભારતની શરમજનક હાર થવાથી કરોડો દેશવાસીઓનું સપનું ચકનાચૂર થયું હતું. પાંચ વખતના વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમે ઘરઆંગણે ભારતીય ટીમને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપીને હરાવવાની યુક્તિ સફળ રહી હતી. પહેલી બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ પચાસ ઓવરમાં 10 વિકેટે 240 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં કમીન્સની ટીમ છ વિકેટ 43 ઓવરમાં 241 રન કરીને વિજયી બન્યું હતું.

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં વિજેતા થવાની સાથે છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયા જીત્યું છે, જેમાં આ અગાઉ કાંગારુ 1987, 1999, 2003, 2007 અને 2015માં વિજેતા બન્યું હતું. ભારત સામે ત્રણ વિકેટ ગુમાવ્યા પછી પણ ટ્રેવિસ હેડ અને માર્નુસ લાબુશેનની શાનદાર ભાગીદારી કરી હતી, જ્યારે તેમની જોડી તોડવામાં કોઈ ઇન્ડિયન બોલર ચમત્કાર કરી શક્યા નહોતા. ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કર્યું હતું છતાં છેલ્લે છેલ્લે સિરાજે વિકેટ ઝડપી હતી. હેડે 120 બોલમાં 137 રન કર્યા હતા, જ્યારે લાબુશેને 110 બોલમાં 58 રન કર્યા હતા. હેડની વિકેટ પડ્યા પછી ગ્લેન મેક્સવેલ રમતમાં આવ્યો હતો, જેમાં લાબુશેન અને મેક્સવેલે જીતાડ્યા હતા.

વન-ડે વર્લ્ડ કપમાં 10 મેચ જીત્યા પછી આજે 11મી મેચમાં ભારત હારીને દશેરાના દિવસે ઘોડું દોડયું નહીં એ કહેવત સાચી પડી હતી. પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાએ 240 રન બનાવ્યા હતા, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાના બેટર દબાણમાં રમ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 10 ઓવર પછી સ્કોર 2 વિકેટે 80 રન હતો. એટલે કે ટીમ દરેક ઓવરમાં 8 રન બનાવી રહી હતી. શ્રેયસ અય્યર 11મી ઓવરમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદી કરી હતી, પરંતુ તેમને બાઉન્ડ્રી માટે તરસવું પડ્યું હતું, જે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. આજની 27મી ઓવરમાં કેએલ રાહુલે ઓફ સ્પિનર ​​મેક્સવેલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય 38મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે એડમ ઝમ્પાના બોલ પર બાઉન્ડ્રી મારી હતી, જે વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન રહ્યું હતું.

આ વખતના વર્લ્ડ કપમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્માએ સૌથી વધુ રન કરવાના વિક્રમ સાથે સૌથી વધુ વિકેટ ઝડપવાના વિક્રમમાં જસપ્રીત બુમરાહ, મહોમ્મદ શમીનો પણ સમાવેશ થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાવતીથી ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર સહિત મેક્સવેલનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ વખતના વર્લ્ડ કપમાં 10 ટીમ મળીને સૌથી વધુ સિક્સર મારવાનો નવો વિક્રમ નોંધાવ્યો હતો. 48 મેચમાં કુલ 645 સિક્સર મારી હતી.

અમદાવાદમાં રમાયેલી મેચને જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા હતા. આ મેચને જોવા માટે ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન સહિત પ્રતિનિધિમંડળ હાજર રહ્યા હતા. બીજી ઈનિંગ પછી વડા પ્રધાન મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. આજની મેચને જોવા માટે વિદેશી રાજદૂત, ભારતના અગ્રણી ઉદ્યોગપતિ, અભિનેતાઓ પણ આવ્યા હતા. ભારત હાર્યા પછી સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર પણ લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે