
ધર્મશાલાઃ વર્લ્ડ કપની 21મી મેચ ભારત અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે રમાઇ હતી. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનમાં આજે બે ફેરફાર કર્યા હતા. પહેલી બેટિંગમાં કિવિઓએ પચાસ ઓવરમાં 273 રન કર્યા હતા, જેમાં ડેરિલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી.
મિશેલે 127 બોલમાં પાંચ સિક્સર અને નવ ચોગ્ગા સાથે 130 રન ફટકાર્યા હતા, જ્યારે તેના સિવાય રશિન રવિન્દ્રે 75 રન બનાવ્યા હતા, ત્યારબાદ બાકી બધા બેટરે સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય બોલરમાં મહોમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવે બે, મહોમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી. પહેલા સ્પેલમાં એટલે કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ શમીને મેચની નવમી ઓવરમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો.
શમીએ આ વર્લ્ડ કપમાં પોતાના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. તેણે કિવી ઓપનર વિલ યંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. યંગ 27 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં શમીની આ 32મી વિકેટ હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો.
વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયની યાદીમાં પ્રથમ સ્થાને ઝહીર ખાન છે તેણે 44 વિકેટ ઝડપી છે. જ્યારે બીજા ક્રમે જવાગલ શ્રીનાથ છે તેણે 44 વિકેટ ઝડપી છે. ત્રીજા ક્રમે મોહમ્મદ શમી આવે છે તેણે 32 વિકેટ ઝડપી છે. યાદીમાં ચોથા સ્થાને અનિલ કુંબલે આવે છે જેણે વર્લ્ડકપમાં 31 વિકેટ ઝડપી છે.
આજની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજાને કારણે બહાર થઇ ગયો હતો. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને અને શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.