IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS NZ: સેમી ફાઈનલ જીતતા ટીમ ઈન્ડિયાની ‘દિવાળી’

સાત વિકેટ ઝડપીને મહોમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ રવિન્દ્ર જાડેજાને વિકેટ ના મળી પણ ત્રણે કેચ ઝડપ્યા

મુંબઈઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની આજની સેમી ફાઈનલ મેચમાં ભારતે 398 રનના પડકારજનક સ્કોર વચ્ચે ન્યૂ ઝીલેન્ડે ભારતને એક તબક્કે હંફાવ્યું હતું. કિવિઓ વતીથી ડેરિલ મિશેલ, સુકાની કેન વિલિયમ્સ, ગ્લેન ફિલિપ્સની ઝઝાવાતી બેટિંગ કામે લાગી નહોતી અને અંતે ભારત 70 રને (48.5 ઓવરમાં ઓલઆઉટ થતા) જીત્યું હતું.

ભારતીય બોલર વતીથી મહોમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ (સાત) ઝડપી હતી, જેમાં વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મહોમ્મદ શમી સિવાય બુમરાહ, કુલદીપ યાદવ, મહોમ્મદ સિરાજને વિકેટ મળી હતી. આજની જીત સાથે ભાઈબીજના દિવસે સેમી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને જીત મળવાને કારણે દેશભરમાં લોકોએ ફટાકડાં ફોડીને ભવ્ય વિજયનું સેલિબ્રેશન કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે મેચ જીતવાને કારણે વર્લ્ડ કપમાં ભારતે સતત દસમી જીત મેળવી છે.

આજે વાનખેડે ખાતે રમાયેલી સેમી ફાઈનલની મેચમાં ભારતે ટોસ જીતીને સૌથી પહેલી બેટિંગ લીધી હતી. 398 રનનો ટાર્ગેટ અચીવ કરવા માટે ન્યૂ ઝીલેન્ડના ઓપનર બેટર નિષ્ફળ રહ્યા હતા. પહેલી વિકેટ ડેવોન કોનવેની 30 રને અને રચિન રવિન્દ્રની 39 રને બીજી વિકેટ પડી હતી. આમ છતાં કેપ્ટન વિલિયમ્સન અને ડેરિલ મિશેલ મજબૂત બેટિંગ કરી હતી.
ન્યૂ ઝીલેન્ડના 220 રનના સ્કોરે કેન વિલિયમ્સ (73 બોલમાં 69 રન)ની વિકેટ મહોમ્મદ શમીએ ઝડપી હતી. ચોથી વિકેટ ટોમ લોથમની મહોમ્મદ શામીએ વિકેટ લીધી હતી, પરંતુ એના વચ્ચે શમીએ વિલિયમ્સનનો કેચ છોડીને લોકોને નિરાશ કર્યા હતા, પરંતુ વિકેટ ઝડપીને લોકોને ખુશ કર્યા હતા. સૌથી મજબૂત ઈનિંગ ડેરિલ મિશલ રમ્યો હતો. મિશેલ 119 બોલમાં નવ ચોગ્ગા અને સાત સિક્સર સાથે 134 રન બનાવ્યા હતા. આજની મેચમાં રવિન્દ્ર જાડેજાએ દસ ઓવરમાં એક પણ વિકેટ લીધી નહોતી, પરંતુ ત્રણ કેચ ઝડપ્યા હતા.

32મી ઓવરમાં ભારતને બે વિકેટ મળવાને કારણે વાનખેડે સ્ટેડિયમમાં ખુશીનું મોજું પ્રસરી ગયું હતું. પીચમાં ભારતીય બોલર વધુ જાદુ કરી શક્યા નહોતા, જ્યારે આજની મેચમાં વાસ્તવમાં પાંચ બોલરની અજમાઈશ કર્યા પછી પણ હાર્દિક પંડ્યાની કમી વર્તાઈ હતી.
પહેલી બેટિંગમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ 47 રન કર્યા હતા, પરંતુ વિરાટ કોહલી (117), શ્રેયસ અય્યર (105)એ શાનદાર સદી કરી હતી. શુભમન ગિલે 80 અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. બીજી બાજુ ન્યૂ ઝીલેન્ડની મજબૂત ફિલ્ડિંગ રહી હતી, જેમાં આઠ રન એક્સ્ટ્રા આપ્યા હતા, જ્યારે ભારતે સૌથી વધુ એક્સ્ટ્રા રન આપ્યા હતા, જ્યારે ફિલ્ડિંગમાં નબળું પ્રદર્શન કરવાને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ ભારતીય ફિલ્ડરોની ટીકા કરી હતી.

આજના વિજય સાથે હવે ભારત હવે અમદાવાદમાં ફાઈનલમાં રમશે. આવતીકાલની સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રહેશે. આ બંનેમાંથી જીતનારી ટીમ ભારત સામે ફાઈનલમાં રમશે. આજની વાનખેડેની મેચમાં સેમી ફાઈનલ જોવા માટે જાણીતા કલાકારોની સાથે બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમ પણ આવ્યો હતો.

મહોમ્મદ શમીએ આજની મેચમાં સાત વિકેટ ઝડપવાને કારણે મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button