
નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની તમામ ટોપ ટીમોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ક્રિકેટ પંડિતોના મતે ભારતના વિજયરથને રોકવો કોઈ પણ ટીમ માટે અશક્ય છે. બીજી તરફ પૂર્વ કેપ્ટન અને ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે જો ભારતીય ટીમ આ વખતે ચેમ્પિયન નહીં બને તો તેણે આગામી ત્રણ વર્લ્ડ કપની રાહ જોવી પડશે. શાસ્ત્રીએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે હાલમાં ભારતની ટીમના મોટા ભાગના ખેલાડીઓ પોતાની ટોચ પર છે, જેના કારણે તેમની પાસે ICC ટાઇટલના જીતની રાહ સમાપ્ત કરવાની મોટી તક છે.
‘આ સમયે સમગ્ર દેશમાં ક્રિકેટનો ક્રેઝ છવાયેલો છે. ભારતે 12 વર્ષ પહેલા વર્લ્ડ કપ જીત્યો હતો. તેમની પાસે ફરીથી તેનું પુનરાવર્તન કરવાની તક છે. ભારતીય ટીમ જે રીતે રમી રહી છે તેને જોતા કદાચ આ તેની શ્રેષ્ઠ તક છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘જો તે આ વખતે ચૂકી જશે તો તેને જીતવા વિશે વિચારવા માટે પણ આગામી ત્રણ વર્લ્ડ કપની રાહ જોવી પડશે. આ વખતે ટીમના સાત-આઠ ખેલાડીઓ ટોચ પર છે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કદાચ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. ભારતની ટીમ જે જોમ અને જુસ્સાથી રમી રહી છે અને એક પછી એક મેચ જીતી રહી છે અને સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ છે, એ જોતા ભારતે આ વખતે ટાઈટલ જીતવું જ જોઈએ. ભારત પાસે હાલમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી હરિફ ટીમો પર કાળ બનીને વરસી રહ્યા છે. મોહમ્મદ સિરાજની બોલિંગ પણ અદભૂત છે. કુલદીપ અને રવિન્દ્ર જાડેજાની જોડી સ્પિનમાં અજાયબી કરી રહી છે. આ બધુ જોતા ભારતની ટીમ ફાઇનલ જીતવા માટે હોટ ફેવરિટ લાગે છે.