અમદાવાદ: ગઇકાલની સેમી ફાઇનલ બાદ દેશભરમાં ક્રિકેટ ફીવર આસમાને છે. ભારતીય ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. હવે ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે જેને લઇને શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ જોવા માટે અમદાવાદની મુલાકાતે આવશે તેવી ચર્ચા થઇ રહી છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ પીએમ મોદી અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચને પગલે એક દિવસીય મુલાકાતે આવી શકે છે. તેમની સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે.
ટીમ ઇન્ડિયા આજે સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે. ITC નર્મદા હોટલમાં તેમને ઉતારો આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સુરક્ષાનું નિરીક્ષણ કરશે. હોટલમાં પણ પરંપરાગત રીતે ટીમનું સ્વાગત કરવામાં આવશે. ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. જેસીપી નીરજ બડગુજરે આજે સ્ટેડિયમની મુલાકાત લઇને બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
વર્લ્ડ કપ મેચની ક્લોઝિંગ સેરેમનીમાં અલગ અલગ કોલેજના યુવાનો પર્ફોર્મ કરવાના છે. હજુ મેચને 3 દિવસની વાર છે છતાં સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના થીમ બેસ્ડ ટી-શર્ટ લેવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.