કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં 2024ની આઇપીએલની પ્રથમ સુપરઓવર થતા જરાક માટે રહી ગઈ હતી. કોલકાતાના 222/6ના સ્કોર સામે બેન્ગલૂરુની ટીમ 20 ઓવરમાં 221 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને શ્રેયસ ઐયરની ટીમે એક રનથી વિજય મેળવ્યો હતો.
આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાવાળા ખેલાડી મિચલ સ્ટાર્કને 20મી ઓવર કરવાની જવાબદારી અપાઈ હતી જેમાં બેન્ગલૂરુએ જીતવા 21 રન બનાવવાના હતા. પાછલી જ ઓવરના છેલ્લા બૉલમાં દિનેશ કાર્તિક (પચીસ રન, 18 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) આઉટ થઈ ગયો હતો અને બેન્ગલૂરુનો સ્કોર 202/8 હોવાથી ટીમને જિતાડવાનો બધો બોજ કર્ણ શર્મા (20 રન, સાત બૉલ, ત્રણ સિક્સર) પર આવી ગયો હતો. કર્ણએ સ્ટાર્કના પહેલા ચાર બૉલમાંથી ત્રણ બૉલમાં સિક્સર ફટકારીને બેન્ગલૂરુની ટીમને વિજયની લગોલગ લાવી દીધું હતું. જોકે બે બૉલમાં ત્રણ રન બનાવવાના હતા, પરંતુ ખુદ કર્ણ ઑફ સ્ટમ્પની બહારના નીચા ફુલટૉસમાં સ્ટાર્કને જ નીચો કૅચ આપી બેઠો હતો.
હવે છેલ્લા બૉલમાં ત્રણ રન બનાવવાના હતા અને 10મા નંબરના બૅટર સિરાજની સાથે 11મા નંબરનો લૉકી ફર્ગ્યુસન જોડાયો હતો. જોકે જીતવા જરૂરી ત્રણ રન અને સુપરઓવર માટે જરૂરી બે રનને બદલે તેઓ એક રન દોડી શક્યા હતા અને પછી બીજો રન દોડવા જતાં ફર્ગ્યુસન રનઆઉટ થયો હતો અને એ થ્રિલરમાં કોલકાતાનો એક રનથી વિજય થયો હતો.
2023ની આઇપીએલની ફાઇનલ મહેન્દ્રસિંહ ધોનીની 250મી આઇપીએલ-મૅચ હતી જેમાં તેણે વિજય માણ્યો હતો. 18મી એપ્રિલે (ચાર દિવસ પહેલાં) રોહિત 250મી મૅચ રમ્યો હતો અને એમાં તેણે પણ વિજય (પંજાબ સામે) માણ્યો હતો, પરંતુ રવિવારે દિનેશ કાર્તિકે તેની 250મી મૅચમાં પરાજય જોયો.
223 રનનો લક્ષ્યાંક મેળવવાના બેન્ગલૂરુએ ધમાકેદાર શરૂઆત તો કરી હતી, પણ વિરાટ કોહલી (18 રન, સાત બૉલ, બે સિક્સર, એક ફોર)ની વિકેટે બેન્ગલૂરુની ટીમને આઘાત પહોંચાડ્યો હતો. પેસ બોલર હર્ષિત રાણાના બૉલમાં કોહલી તેને જ કૅચ આપી બેઠો હતો. અમ્પાયરે આઉટ જાહેર કરતાં જ કોહલી ગુસ્સે થયો હતો અને રિવ્યૂ માગી હતી. ટીવી અમ્પાયરે તેને આઉટ જાહેર કરતા કોહલી અમ્પાયર સામેની દલીલ બાદ તેમની સામે કંઈક બોલતો અને ક્રોધિત અવસ્થામાં પાછો ગયો હતો. તેના મતે બૉલ કમરથી ઉપરનો નો-બૉલ હતો. જોકે હૉક-આઇમાં જાણવા મળ્યા મુજબ બૉલ તેની કમરથી નીચેની હાઇટ સુધીનો જ હતો. કોહલીએ શૉટ માર્યો ત્યારે તે બૅટિંગ ક્રીઝની બહાર પણ હતો.
બૅન્ગલૂરુના ખેલાડીઓ આજે કેમ લીલા ડ્રેસમાં રમે છે? કેમ બેન્ગલૂરુને બદલે કોલકતાનું ગ્રાઉન્ડ પસંદ કર્યું?
કોહલી પછી કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (સાત રન) પણ તરત આઉટ થઈ ગયો હતો, પરંતુ વિલ જૅક્સ (પંચાવન રન, 32 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને રજત પાટીદાર (બાવન રન, 23 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી થઈ હતી. જોકે 137 રનના ટીમ-સ્કોર પર જૅક્સની વિકેટ પડ્યા પછી બેન્ગલૂરુએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને છેવટે પરાજય જોવો પડ્યો.
કાર્તિક ટીમનો નંબર-વન મૅચ-ફિનિશર છે, પરંતુ તેને છેક આઠમા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવ્યો હતો અને થોડી જ ઓવરમાં અને આંગળીને વેઢે ગણાય એટલા સાથીઓ જોડે મળીને તેણે ટીમને જિતાડવાની હોવાથી તેના પર પ્રચંડ બોજ આવી ગયો હતો. કાર્તિક અને મૂળ ગોવાના સુયશ પ્રભુદેસાઈ (24 રન, 19 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 32 રનની સારી ભાગીદારી થઈ હતી, પણ હર્ષિત રાણાએ પ્રભુદેસાઈની વિકેટ લઈને બેન્ગલૂરુને મોટો આંચકો આપ્યો હતો. છેવટે કાર્તિક તેમ જ કર્ણ ટીમને વિજય નહોતા અપાવી શક્યા. લૉકી ફર્ગ્યુસનને પણ સિરાજના પછી બૅટિંગમાં મોકલવાની ભૂલ કૅપ્ટન ડુ પ્લેસીએ કરી હતી.
ગાવસકરે બીસીસીઆઇને કહ્યું, ‘બોલર્સની પરેશાની તો સમજો’
કોલકાતાના આન્દ્રે રસેલે ત્રણ તેમ જ હર્ષિત અને સુનીલ નારાયણે બે-બે અને સ્ટાર્ક, વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.
રસેલને અણનમ 27 રન તેમ જ ત્રણ વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી કોલકાતાએ છ વિકેટે 222 રન બનાવ્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયરે આ સીઝનમાં પહેલી હાફ સેન્ચુરી (50 રન, 36 બૉલ, એક સિક્સર, સાત ફોર) ફટકારી હતી. શ્રેયસના અગાઉની છ મૅચના સ્કોર્સ આ મુજબ હતા: 0, 39, 18, 34, 38 અને 11. ફિલ સૉલ્ટ (48 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની પ્રથમ વિકેટ પડ્યા બાદ 100 રન સુધીમાં બીજી ત્રણ વિકેટ (નારાયણ-10, અંગક્રિશ-3, વેન્કટેશ-16) પડી ગઈ હતી. એ ચારમાંથી બે વિકેટ યશ દયાલે તેમ જ એક-એક વિકેટ મોહમ્મદ સિરાજ અને કૅમેરન ગ્રીને લીધી હતી. રિન્કુ સિંહ (24 રન, 16 બૉલ, એક સિક્સર, બે ફોર), આન્દ્રે રસેલ (27 અણનમ, 20 બૉલ, ચાર ફોર) અને રમણદીપ સિંહ (24 અણનમ, નવ બૉલ, બે સિક્સર, બે ફોર)ના પર્ફોર્મન્સ પણ કોલકાતા માટે ખૂબ ઉપયોગી બન્યા હતા.
Taboola Feed