વર્લ્ડ કપ માટે હાર્દિકનું શું કરવું? રોહિત-દ્રવિડ સાથે આગરકરની બે કલાક ચર્ચા
મુંબઈ: ટી-20નો મેન્સ વર્લ્ડ કપ છેલ્લે 2022માં રમાયો અને હવે આગામી જૂનમાં રમાશે. બે વર્ષ પહેલાંના વિશ્ર્વકપમાં ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિક પંડ્યાનું સારું યોગદાન હતું અને ત્યાર પછી સેમિ ફાઇનલમાં તે ભારતનો ટૉપ-સ્કોરર હતો, પરંતુ આ વર્ષના વર્લ્ડ કપમાં તેને રમવા મળશે કે કેમ એમાં શંકા છે.
2022માં ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલાંની ઝિમ્બાબ્વે સામેની લીગમાં હાર્દિકે ક્રેગ ઇરવિન (13 રન) અને સિકંદર રઝા (34)ની મહત્ત્વની વિકેટ લીધી હતી અને ભારતને જિતાડવામાં બનતું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં ભારત હારી ગયું હતું, પણ હાર્દિક (63 રન, 33 બૉલ, પાંચ સિકસર, ચાર ફોર)ની યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો અને ભારતને 168/6નું ટોટલ અપાવ્યું હતું. જોકે જૉસ બટલર (અણનમ 80) અને ઍલેક્સ હેલ્સ (અણનમ 86)ની જોડીએ ઇંગ્લૅન્ડને 10 વિકેટે વિજય અપાવ્યો હતો.
અહીં મૂળ મુદ્દો એ છે કે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી મૅચમાં સારું રમનાર હાર્દિક પંડ્યા આ વખતના વિશ્ર્વકપ માટે ડાઉટફૂલ છે. ખાસ તો એ કારણ છે કે તે બોલિંગમાં પહેલાં જેવો અસરદાર નથી. અસરની વાત તો જવા દો, પગની સર્જરી કરાવી આવ્યા બાદ આ વખતની આઇપીએલમાં તે દરેક મૅચમાં પૂરતી બોલિંગ પણ નથી કરતો.
14 એપ્રિલે વાનખેડેમાં ચેન્નઈ સામેની મૅચમાં તેણે ત્રણ ઓવર બોલિંગ કરી હતી. એક અહેવાલ મુજબ સિલેક્ટરો હાર્દિકને વર્લ્ડ કપની ટીમમાં લેવા તો જ વિચાર કરશે જો તે આઇપીએલમાં પૂરી બોલિંગ કરી શકતો હોય.
બીસીસીઆઇએ આઇસીસીને વર્લ્ડ કપ માટે ગણતરીના દિવસોમાં ટીમની યાદી આપી દેવાની છે. આ વિશ્ર્વકપ જૂનની શરૂઆતમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.
ગયા અઠવાડિયે મુંબઈમાં વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ કરવા સંબંધમાં કૅપ્ટન રોહિત શર્મા, હેડ-કોચ રાહુલ દ્રવિડ અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વચ્ચે બે કલાક મીટિંગ ચાલી હતી.
મોહમ્મદ શમી ઈજાને કારણે આ વખતની આઇપીએલમાં નથી રમ્યો, મોહમ્મદ સિરાજ ખાસ કંઈ ફૉર્મમાં નથી અને બીજા ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ એકલો ફૉર્મમાં જણાય છે. જોકે પસંદગીકારો ખાસ કરીને હાર્દિકના મુદ્દે ચિંતામાં છે. જો તે પૂરી બોલિંગ ન કરી શક્તો હોય તો તેને વર્લ્ડ કપની ટીમમાં સમાવવો કે બીજા કોઈ પેસ બોલિંગ ઑલરાઉન્ડરને પસંદ કરવો કે હાર્દિકને માત્ર બૅટર તરીકે લેવો કે પછી કોઈ પૂર્ણ કક્ષાના બૅટરને જ પસંદ કરી લેવો એના પર ચર્ચા ચાલે છે.
હાર્દિકે છ મૅચમાં કુલ માત્ર 131 રન બનાવ્યા છે તેમ જ ચાર મૅચમાં બોલિંગ કરી છે જેમાં ત્રણ વિકેટ લઈ શક્યો છે. છમાંથી બે જ મૅચમાં તેણે ચાર ઓવરનો ક્વોટા પૂરો કર્યો છે. તે કૅપ્ટન છે એટલે ઇચ્છતો હોય તો ધારે એટલી ઓવર કરી શકે, પરંતુ દિલ્હી અને રાજસ્થાન સામે તેણે એક પણ ઓવર બોલિંગ નહોતી કરી. હાર્દિક બોલિંગમાં અસલ લય મેળવી જ નથી શક્તો.
ભારત પાસે એવા ઘણા બૅટર છે જેઓ હાર્દિકના રિપ્લેસમેન્ટ બની શકે એમ છે.
મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાયો ત્યાર બાદ પહેલી ત્રણ મૅચમાં હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સની હાલત દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ જેવી જ છે. એ બે ટીમની માફક મુંબઈ પણ છમાંથી ચાર મૅચ હારી છે. કૅપ્ટન્સીના બોજ તળે હાર્દિક દબાઈ રહ્યો હોય એવું તેની બૉડી લૅન્ગવેજ પરથી લાગ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ તાજેતરમાં સૂચવ્યું હતું કે હાર્દિક પંડ્યા કરતાં ચેન્નઈ સુપર કિંગ્સનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર શિવમ દુબે બહુ સારો વિકલ્પ બની શકશે. જોકે સીએસકેએ તેની પાસે આ વખતે છ મૅચમાં બોલિંગ જ નથી આપી એટલે બોલિંગમાં તે કેટલો અસરદાર છે એ સિલેક્ટરો કળી નથી શક્યા. રવિવારે વાનખેડેમાં મુંબઈને હરાવવામાં શિવમનું મોટું યોગદાન હતું. તેણે તેણે 38 બૉલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. છ મૅચમાં તેણે 242 રન બનાવ્યા છે જેમાં બે હાફ સેન્ચુરી અને બે અણનમ ઇનિંગ્સ સામેલ છે.