એક શામ ગુજરાત ટાઇટન્સ કે સિંગર્સ કે નામ….
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સની ટીમે પહેલી બે સીઝન (2022 અને 2023)ની સરખામણીમાં આ વખતે બહુ નબળું પર્ફોર્મ કર્યું છે. જોકે હાર્દિક પંડ્યાએ એ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં રી-એન્ટ્રી કરી એટલે શુભમન ગિલને ગુજરાતની ટીમનું સુકાન સોંપાયું અને તેની કૅપ્ટન્સીમાં આ ટીમ શુક્રવાર સુધીમાં બારમાંથી પાંચ જ મૅચ જીતી શકી.
જોકે ‘આવા દે’ના સ્લોગન સાથે મેદાન પર ઉતરતી આ ટીમે અડધા ભાગની હરીફ ટીમો સામે સારું પર્ફોર્મ નથી કર્યું, પણ આ ટીમની જ એક સિંગિંગ ઇવેન્ટમાં એના ઘણા ખેલાડીઓએ પોતાની ટૅલન્ટ દિલ ખોલીને બતાવી હતી. દરેક ખેલાડીએ આ ફંક્શનમાં ખૂબ મોજ માણી હતી.
10મી મેએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈને હરાવતાં પહેલાં ગુજરાતની ટીમ માનસિક રીતે બહુ સારી તૈયારી કરીને આવી હતી. બીજી રીતે કહીએ તો આ ટીમના કેટલાક ખેલાડીઓએ આઠમી મેએ એક સમારંભમાં ગીતો ગાવાની હરીફાઈ રાખી હતી જેમાં રાશીદ ખાને આગેવાની લીધી હતી અને સાતેય પ્રતિસ્પર્ધીઓમાં તેની જ સિંગિંગ ટૅલન્ટ સર્વશ્રેષ્ઠ જણાઈ હતી. રાશીદ ખાન છે તો અફઘાનિસ્તાનનો, પરંતુ હિન્દી ગીતોથી બહુ સારી રીતે વાકેફ છે.
ટીમ-બૉન્ડિંગ માટેની એ ઇવેન્ટ ‘ગુલાબી આંખે જો તેરી દેખી…’ ગીતથી શરૂ થઈ હતી અને વારાફરતી સાત પાર્ટિસિપન્ટ્સના કંઠની કસોટી થઈ હતી. એ ઇવેન્ટનો વીડિયો વાઇરલ થયો છે.
કૅપ્ટન શુભમન ગિલ આ ઇવેન્ટમાં નહોતો દેખાયો, પણ હેડ-કોચ આશિષ નેહરા સહિત જે કુલ સાત સ્પર્ધકો સ્ટેજ પર આવ્યા હતા તેમની યાદી આ મુજબ છે: પ્રતિસ્પર્ધી નંબર-1 સાંઇ કિશોર, પ્રતિસ્પર્ધી નંબર-2 જયંત યાદવ, પ્રતિસ્પર્ધી નંબર-3 વિજય શંકર, પ્રતિસ્પર્ધી નંબર-4 આશિષ નેહરા, પ્રતિસ્પર્ધી નંબર-5 સાંઇ સુદર્શન, પ્રતિસ્પર્ધી નંબર-6 રાશીદ ખાન અને પ્રતિસ્પર્ધી નંબર-7 મોહિત શર્મા.
તમને યાદ અપાવીએ કે સાંઇ સુદર્શનને આ ઇવેન્ટનો સૌથી વધુ ફાયદો થયો હોય એવું લાગે છે, કારણકે શુક્રવાર, 10મી મેએ તેણે અમદાવાદમાં ચેન્નઈના બોલર્સની ધુલાઈ કરી નાખી હતી. સુદર્શને 51 બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોરની મદદથી 103 રન બનાવ્યા હતા, કૅપ્ટન શુભમન ગિલ સાથે 210 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને ગુજરાતે આપેલા 232 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ છેવટે આઠ વિકેટે 196 રન બનાવી શક્તા ગુજરાતનો 35 રનથી વિજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સની સિંગિંગ કૉમ્પિટિશનના ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વીડિયોને શનિવાર સાંજ સુધીમાં 5,22,044 લાઇક્સ મળ્યા હતા અને 2,379 યુઝર્સે કમેન્ટ કરી હતી. મોટા ભાગના યુઝર્સે રાશીદ ખાનની સિંગિંગ ટૅલન્ટને બેસ્ટ ગણાવી હતી. રાશીદે ‘ધડકન’ ફિલ્મનું ‘દિલ ને યે કહા હૈ દિલ સે…’ ગીત ગાઈને પણ સૌને ખુશ કરી દીધા હતા.
ઇન્સ્ટાગ્રામ પરની કમેન્ટ્સમાં કેટલાકે સવાલ કર્યો હતો કે, ‘તમારો કૅપ્ટન ગિલ દેખાતો નથી, ક્યાં છે?’
આ ઇવેન્ટનો વિજેતા કોણ હોવો જોઈએ? એવા સવાલ સાથે સોશિયલ મીડિયામાં મંતવ્યો મગાવવામાં આવ્યા હતા અને પરિણામની જાહેરાત બાકી રાખવામાં આવી હતી.