બેંગલૂરુ: શનિવારે રાત્રે આરસીબીએ કવોર્ટર ફાઈનલ જેવી મૅચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સીએસકેને છેલ્લી ઓવરમાં હરાવીને પ્લે-ઓફમાં એન્ટ્રી કરી અને સીએસકેને સ્પર્ધાની બહાર કરી દીધું ત્યાર બાદ મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને આપવામાં આવ્યો હતો. જોકે તેણે એ પુરસ્કાર પોતાના લેફ્ટ-આર્મ પેસ બોલર યશ દયાલને ડેડિકેટ કર્યો હતો.
ડુ પ્લેસીએ 39 બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 54 રન બનાવ્યા હતા તેમ જ ચેન્નઈના મિચલ સેન્ટનરનો એક હાથે અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. આ પર્ફોર્મન્સ બદલ તેને એવોર્ડ અપાયો હતો.
જોકે ડુ પ્લેસીએ એ અવૉર્ડ સ્વીકાર્યા પછી કહ્યું કે “ખરેખર તો આ પુરસ્કાર યશ દયાલને મળવો જોઈએ, કારણકે ખરાબ હવામાનના માહોલમાં બૉલ પર જ્યારે બોલર્સની ગ્રિપ નહોતી આવતી ત્યારે યશે છેલ્લી ઓવરમાં સીએસકેને વિજયથી વંચિત રાખીને કમાલ કરી નાખી. એટલે હું આ અવૉર્ડ યશને અર્પણ કરું છું.”
ચેન્નઈએ 219 રનના લક્ષ્યાંક સામે છેવટે 20મી ઓવરમાં 35 રન બનાવવાના હતા જે લગભગ અસંભવ હતા.
ડુ પ્લેસીએ કહ્યું, ” છેલ્લી ઓવરમાં જ્યારે ધોની સ્ટ્રાઈક પર હતો ત્યારે મને વિચાર આવ્યો કે આ ખેલાડી ઘણીવાર પોતાની ટીમને છેલ્લી ઘડીએ જિતાડી ચૂક્યો છે એટલે આને તો આઉટ કરવો જ પડશે અથવા કંટ્રોલમાં રાખવો જ પડશે. યશે ત્યારે ભયંકર પ્રેશરમાં અને ભેજવાળા હવામાનને કારણે બૉલ પર ગ્રિપ નહોતી આવતી છતાં સફળ ઓવર પૂરી કરીને આરસીબીને યાદગાર વિજય અપાવ્યો એ બદલ મારા મતે યશનો પર્ફોર્મન્સ અકલ્પનીય હતો એટલે મેન ઓફ ધ મેચ અવૉર્ડનો ખરો હકદાર તે જ છે.”
યશ દયાલે ડેરિલ મિચલ (4 રન) અને ધોની (13 બૉલમાં પચીસ રન)ની વિકેટ લીધી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને