
લખનઊ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં લખનઊ સુપર કિંગ્સ સામેની મૅચમાં 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. એક તબક્કે ચેન્નઈનો સ્કોર પાંચ વિકેટે ફક્ત 90 રન હતો, પણ કેટલીક આક્રમક ઇનિંગ્સને લીધે ટીમનો સ્કોર પોણાબસો સુધી પહોંચી શક્યો હતો.
ચેન્નઈએ બૅટિંગ મળ્યા બાદ શરૂઆત ખરાબ કરી, પણ ઇનિંગ્સનો અંત રોમાંચક હતો. ટીમના ચોથા રને રાચિન રવીન્દ્ર (0) અને 33મા રને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ(17 રન) આઉટ થયા હતા. આઠથી બાર ઓવર દરમ્યાન વધુ ધબડકો થયો હતો, પરંતુ પહેલા રવીન્દ્ર જાડેજા (57 અણનમ, 40 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ અને પછી મોઇન અલી (30 રન, 20 બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા ધમાકા સાથે લખનઊની ટીમને વળતો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: એકાનામાં ધોનીના દિવાના થયા ફેન્સ, આ રીતે તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો
છેલ્લી બે ઓવરમાં તો કમાલ જ થઈ ગઈ. એમએસ ધોની (28 અણનમ, નવ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અસલ મિજાજમાં રમ્યો હતો. 2023માં ચેન્નઈને પાંચમું ટાઇટલ અપાવ્યા બાદ બીજા જ અઠવાડિયે ઘૂંટણમાં સર્જરી કરાવનાર 42 વર્ષનો ધોની આ મૅચમાં સાધારણ યુવા ખેલાડીની જેમ રન લેવા દોડ્યો હતો અને જાડેજા સાથે તેણે 35 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
ચેન્નઈએ છેલ્લી ચાર ઓવરમાં 62 રન બનાવ્યા હતા. 20મી ઓવર યશ ઠાકુરને અપાઈ હતી જેમાં ધોનીની એક સિક્સર અને બે ફોર સહિત કુલ 19 રન બન્યા હતા.
આ પણ વાંચો: ગર્વ છે કે મારું નામ પણ ‘MAHI…’ છે, 25 હજાર કરોડ રૂપિયાના માલિક ધોનીથી થયા પ્રભાવિત
રવીન્દ્ર જાડેજાએ ત્રણ વર્ષે હાફ સેન્ચુરી ફટકારી હતી.
એ પહેલાં, ઓપનર અજિંક્ય રહાણે (36 રન, 24 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાધારણ ઇનિંગ્સ રમ્યો હતો.
લખનઊ વતી કૃણાલ પંડ્યાએ બે તેમ જ યશ ઠાકુર, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.