નવી દિલ્હી: રેકૉર્ડ-બ્રેકિંગ સનરાઇઝર્સ હૈદરાબાદ શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) પાટનગર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યજમાન ટીમ દિલ્હી કૅપિટલ્સને પડકારશે.
દિલ્હીની ટીમ માટે અત્યાર સુધી વિશાખાપટનમ હોમ-ટાઉન હતું, પણ હવે દિલ્હીમાં પહેલો જંગ થવાનો છે જ્યાં દિલ્હીનો કૅપ્ટન રિષભ પંત ભાવુક હાલતમાં રમશે.
2022માં કાર-અકસ્માત થયા બાદ રિષભ પંત દોઢ વર્ષ સુધી ન રમ્યો અને સર્જરી પછીની સારવાર બાદ આ જ સ્ટેડિયમમાં કાખઘોડી સાથે આવ્યો હતો. ત્યાર બાદ પંત પહેલી વખત દિલ્હીના આ સ્ટેડિયમમાં રમવા આવ્યો છે.
આ પણ વાંચો: હૈદરાબાદ-બેન્ગલૂરુ મૅચ એટલે સિક્સરનો વરસાદ, એમાં બૅટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું: ફિન્ચ
એક તરફ પંત આ હોમ-ટાઉનમાં પરચો બતાવવા ઉત્સુક હશે ત્યાં બીજી બાજુ પૅટ કમિન્સના સુકાનવાળી હૈદરાબાદની ટીમના બૅટર્સ પોતાની તાકાત હૈદરાબાદ અને બેન્ગલૂરુ પછી દિલ્હીમાં પણ બતાવવા આતુર હશે. હૈદરાબાદ અને બેન્ગલૂરુના જ નામ લેવા પાછળનું કારણ એ છે કે 27મી માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સે મુંબઈ સામે ત્રણ વિકેટે વિક્રમજનક 277 રન બનાવ્યા હતા અને પછી મુંબઈએ 246/5ના સ્કોર સાથે પરાજય સ્વીકાર્યો હતો. 15મી એપ્રિલે બેન્ગલૂરુમાં આરસીબી સામે ત્રણ વિકેટે 287 રનનો નવો આઇપીએલ-વિક્રમ રચ્યો હતો અને પછી આરસીબીએ 262/7ના સ્કોર બદલ હાર સ્વીકારવી પડી હતી.
આ પણ વાંચો: લખનઊની ટીમ લખનઊમાં જીતી, પણ હવે મંગળવારે ચેન્નઈને ચેન્નઈમાં હરાવવી મુશ્કેલ
હવે દિલ્હીનો વારો છે કે શું? એક જ સીઝનમાં બે વાર ટીમ-સ્કોરનો વિક્રમ તોડનાર રેકૉર્ડ-બ્રેકિંગ હૈદરાબાદની ટીમ દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સની બાજી બગાડવાની પેરવીમાં તો હશે જ. જોકે લેફ્ટ-આર્મ રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હિન્રિચ ક્લાસેન અને એઇડન માર્કરમમાંથી કોઈની બાજી બગાડી નાખે તો નવાઈ નહીં.
દિલ્હીના કોચ રિકી પૉન્ટિંગને આશા છે કે ડેવિડ વૉર્નર ઈજામુક્ત થઈને શનિવારે પાછો રમશે જ.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન કેવી હોઈ શકે?
દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), પૃથ્વી શો, ડેવિડ વૉર્નર, જેક ફ્રેઝર-મૅકગર્ક/શાઇ હોપ, અભિષેક પોરેલ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમીત કુમાર, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા અને મુકેશ કુમાર. 12મો પ્લેયર: ખલીલ અહમદ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: પૅટ કમિન્સ (કૅપ્ટન), હિન્રિચ ક્લાસેન, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઇડન માર્કરમ, અબ્દુલ સામદ, નીતિશ કુમાર રેડ્ડી, શાહબાઝ અહમદ, ભુવનેશ્ર્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી. નટરાજન. 12મો પ્લેયર: મયંક માર્કન્ડે