IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઈડનની પિચમાં આવ્યો ‘ટર્ન: કોલકાતા બેસ્ટ રનરેટ સાથે બીજા નંબરે

ફલૅટ પટ્ટાને બદલે બોલર્સને વધુ ફાયદો અપાવતી પિચ પરના લો-સ્કોરિંગ મુકાબલામાં દિલ્હી હાર્યું

કોલકાતા: ‘બોલર્સની પરેશાની તો સમજો’ આવી ટકોર ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે બે અઠવાડિયા પહેલા આઈપીએલના અભૂતપૂર્વ ‘રનોત્સવ’ દરમ્યાન દેશના ક્રિકેટ મોવડીઓ તરફના ઈશારામાં કરી હતી એનું સકારાત્મક પરિણામ સોમવારથી જોવા મળવા લાગ્યું કે શું?

ઈડન ગાર્ડન્સ કે જ્યાં વર્ષો પહેલાં અપમાનિત થવા બદલ ગાવસકરે ફરી પગ ન મૂકવાના પ્રણ લીધા હતા અને પછીથી કમબૅક કર્યું હતું એ જ ઐતિહાસિક સ્થળે સોમવારે જાણે બોલર્સની (ખાસ કરીને સ્પિનર્સની) ફેવરમાં બાજી પલટાઈ ગઈ હોય એવું લાગ્યું અને એ સ્થિતિમાં યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સે લો-સ્કોરિંગ મુકાબલામાં આસાનીથી વિજય મેળવ્યો.


કોલકાતાએ 154 રનનો સાધારણ ટાર્ગેટ 21 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને મેળવી લીધો. કોલકાતાનો સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-16-3) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.


દિલ્હીએ બૅટિંગ પસંદ કરી, પરંતુ 200-પ્લસનો સ્કોર નોંધાવવાની આ સીઝનની પરંપરા જાળવી ન શક્યું. જોકે પિચ અગાઉ જેવી ફ્લૅટ નહોતી. બોલર્સને (વિશેષ કરીને સ્પિનર્સને) ઘણી મદદ મળી હતી. ઈડનના મેદાન પર પાછલી દસમાંથી આઠ ઇનિંગ્સમાં 200-પ્લસનો સ્કોર નોંધાયો હતો એટલે દિલ્હીએ પણ એ ગાડરિયા પ્રવાહમાં તણાઈને મોટો સ્કોર કરવાનો મનસૂ્બો ઘડ્યો હશે.

Image: BCCI

જોકે 68 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા પછી દિલ્હીની ટીમ લથડિયા ખાતી ખાતી આગળ વધી, 111-8નો સ્કોર હોવા છતાં છેવટે મુખ્ય બોલર કુલદીપ યાદવના અણનમ 35 રનની મદદથી થોડા સન્માનજનક દોઢસોના સ્કોર સુધી પહોંચી હતી. 153/9ના સ્કોરે એનો દાવ સમેટાયો અને પછી કોલકાતાએ 16.3 ઓવરમાં 157/3ના જુમલા સાથે જીત મેળવી. એ તો ઠીક, પણ જ્યાં દિલ્હીએ જીતીને પોઈન્ટ્સ-ટેબલમાં નંબર-ટૂ થવાનું હતું એને બદલે કોલકાતાએ 12 પોઇન્ટ અને +1.096ના સર્વોત્તમ નેટ રનરેટ સાથે બીજા નંબર પર જમાવટ કરી લીધી.

ઓપનર ફિલ સૉલ્ટ (65 રન, 33 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) કોલકાતાની ટીમમાં ટૉપ-સ્કોરર હતો. તેની અને સુનીલ નારાયણ (15 રન) વચ્ચે 79 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. કેપ્ટન શ્રેયસ ઐયર (26 અણનમ), વેન્કટેશ ઐયર (23 અણનમ) અને રિન્કુ સિંહ (11 રન)ના પણ વિજયમાં નાના-મોટા યોગદાનો હતા.


સ્પિનર્સને દાદ આપતી પિચ પર કોલકાતાના વરુણને ત્રણ અને નારાયણને એક વિકેટ મળી હતી તો દિલ્હીના અક્ષર પટેલને બે વિકેટ મળી હતી. હા, મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ પાસે દિલ્હીને મોટી અપેક્ષા હતી, પણ તે 34 રનના ખર્ચે પણ એકેય શિકાર નહોતો કરી શક્યો.


મૅચને લો-સ્કોરિંગવાળી રખાવવામાં પેસ બોલર્સનો પણ ફાળો હતો. કોલકાતાના હર્ષિત રાણાને બે, વૈભવ અરોરાને બે, મિચલ સ્ટાર્કને એક વિકેટ મળી હતી. દિલ્હીનો લિઝાદ વિલિયમ્સ પણ એક વિકેટ લઈ શક્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button