ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 33મી મેચ આજે ગુરુવારે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ચંડીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં આ બંને ટીમો સારું પ્રદર્શન કરી શકી નથી, બંને ટીમોએ 6-6 મેચ રમી છે, અને બંનેએ માત્ર 2-2 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં PBKS આઠમા અને MI નવમા સ્થાને છે. આવી સ્થિતિમાં બંને ટીમો સ્થિતિમાં સુધારો કરવા પ્રયત્ન કરશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
પંજાબ કિંગ્સે તાજેતરની મેચોમાં બોલિંગ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમની બેટિંગ મુખ્ય ચિંતાનો વિષય છે. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સના બોલરોએ 147ના કુલ સ્કોરનો બચાવવા ભરપુર પ્રયાસ કર્યો હતો, આ કારણે મેચ 19મી ઓવર સુધી ચાલી હતી. પંજાબ કિંગ્સને સ્પર્ધામાં બની રહેવા માટે સતત જીતની જરૂર છે.
શશાંક સિંહ અને આશુતોષ શર્માનું ફિનિશર તરીકે પ્રદર્શન ટીમ માટે સકારાત્મક બાબત છે. જો કે શિખર ધવનની બહાર થવું ટીમ માટે મોટો ઝટકો છે. શિખર ધવન ખભાની ઈજાને કારણે 7-10 દિવસ માટે બહાર રહેશે. ધવનની ગેરહાજરીમાં ઓપનિંગ જોડી અંગે પંજાબ કિંગ્સની મુશ્કેલી વધી ગઈ છે.
સામા પક્ષે, પાંચ વાર IPL ચેમ્પિયન રહી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ સંઘર્ષ કરી રહી છે, ચેન્નઈ સુપર કિંગ્સ સામેની તાજેતરની મેચમાં રોહિત શર્માની સદી છતાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા છેડે સતત વિકેટો પડવાને કારણે મુંબઈ ઈન્ડિયન્સ 20 રને મેચ હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિરાશ કર્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર્દિક પંડ્યા માત્ર બે રન જ બનાવી શક્યો હતો અને તેણે 3 ઓવરમાં 43 રન આપ્યા હતા. સતત બે જીત બાદ આ હારથી MIના આત્મવિશ્વાસને ઠેસ પહોંચી છે.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, આકાશ માધવાલ. (ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શનઃ સૂર્યકુમાર યાદવ).
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ-11:
જોની બેરસ્ટો, અથર્વ તાયડે, સેમ કુરન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા. (ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: પ્રભસિમરન સિંહ/રાહુલ ચહર).