ગુવાહાટી: આઈપીએલની 17મી સીઝનનો નોકઆઉટ રાઉન્ડ આવી ગયો છે અને એની હરીફ ટીમોના શેડ્યૂલ નક્કી થઈ ગયા છે. અમદાવાદમાં આવતી કાલે સાંજે 7.30 વાગ્યાથી ક્વોલિફાયર-વનમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બુધવારે સાંજે 7.30 વાગ્યાથી એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલૂરુ વચ્ચે એ જ સ્થળે મુકાબલો થશે.
કોલકાતા-હૈદરાબાદની ક્વોલિફાયર-વન મૅચમાં જીતનારી ટીમ સીધી ચેન્નઈની 26મી મેની ફાઇનલમાં જશે. એલિમિનેટરમાં રાજસ્થાન-બેંગલૂરુમાંથી હારનારી ટીમ આઉટ થઈ જશે અને જીતનારી ટીમ ક્વોલિફાયર-વનની પરાજિત ટીમ સામે ક્વોલિફાયર-ટૂમાં રમશે જેમાં વિજયી થનારી ટીમ ફાઇનલમાં જશે.
રવિવારે અંતિમ લીગ મૅચ ગુવાહાટીમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાવાની હતી, પણ વરસાદને લીધે મેચ નહોતી રમાઈ. મેઘરાજાના વારંવાર વિઘ્નો આવ્યા બાદ છેવટે રાતે 10.30 વાગ્યા પછી ટૉસ ઉછાળવામાં આવ્યો હતો. કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે હેડ્સનો કોલ આપ્યા બાદ જીતી લીધો હતો અને ફીલ્ડિંગ લીધી હતી. સાત-સાત ઓવરની મેચ રમવાનું નક્કી થયું હતું. બન્ને ટીમ જાહેર કરી દેવામાં આવી હતી. જોકે ફરી વરસાદ આવતા છેવટે રાતે 10.50 વાગ્યે એક પણ બૉલ ફેંકાયા વગર મૅચ પડતી મૂકવામાં આવી હતી. બેઉ ટીમને એક-એક પોઇન્ટ અપાયો હતો.
મેચ રદ કરાતાં એક સમયની નંબર-વન રાજસ્થાનની ટીમને નંબર-ટૂ પર પણ નહોતું આવવા મળ્યું અને નંબર-થ્રી પર રહી ગઈ હતી. હૈદરાબાદની જેમ રાજસ્થાનના પણ 17 પોઇન્ટ હતા, પરંતુ હૈદરાબાદના +0.414 સામે રાજસ્થાનનો +0.273નો રનરેટ ઝાંખો પડી ગયો અને સતત ચાર લીગ મૅચ હારનાર રાજસ્થાનની ટીમ ત્રીજા નંબર પર રહી ગઈ અને હૈદરાબાદને બીજા નંબર પર આવવા મળી ગયું હતું. હૈદરાબાદની ટીમ રવિવારે સાંજે નબળી પડેલી પંજાબની ટીમને ચાર વિકેટે હરાવીને 17 પોઇન્ટ સાથે 16 પોઇન્ટવાળા રાજસ્થાનથી આગળ થઈ હતી. છેલ્લી લીગ મૅચ રાતે ન રમાતા કોલકાતાની જેમ રાજસ્થાનને પણ એક પોઇન્ટ મળ્યો અને એના 17 પોઇન્ટ થયા હતા. કોલકાતાએ 20 પોઇન્ટ અને +1.428ના બેસ્ટ રનરેટ સાથે ટેબલ-ટૉપ કર્યું હતું. બેંગલૂરુ (14 પોઇન્ટ, +0.459નો રનરેટ) ચોથા નંબર પર રહીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરી હતી.
કોલકાતાએ ટેબલમાં મોખરે રહ્યા બાદ પોતાની છેલ્લી સતત બે મૅચ વરસાદને લીધે રદ થતી જોઈ છે એટલે હવે આવતી કાલે હૈદરાબાદ સામે એણે અભૂતપૂર્વ પ્લાનિંગ સાથે રમવું પડશે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ક્લાસેન સહિતના બિગ-હિટર્સવાળી હૈદરાબાદની ટીમ છેલ્લી લાગલગાટ બે મૅચ જીતી હોવાથી બુલંદ ઉત્સાહ સાથે રમશે.
બુધવારની મૅચમાં એવી બે ટીમ ટકરાશે જેમનો લીગનો પ્રથમ રાઉન્ડ સાવ ભિન્ન હતો. રાજસ્થાન પહેલી આઠમાંથી સાત મૅચ જીતીને પોઇન્ટસમાં અવ્વલ હતું, જયારે બેંગલૂરુ આઠમાંથી સાત મૅચ હારી જવાને કારણે સાવ તળિયે હતું.
પોઈન્ટ્સ ટેબલ (Points-Table)માં છેલ્લે કોણ કઈ સ્થિતિમાં રહ્યું?
1… કોલકાતા…9 જીત, 3 હાર…20 પોઇન્ટ…+1.428નો રનરેટ
2… હૈદરાબાદ…8 જીત, 5 હાર…17 પોઇન્ટ…+0.414નો રનરેટ
3… રાજસ્થાન…8 જીત, 5 હાર…17 પોઇન્ટ…+0.273નો રનરેટ
4… બેંગલૂરુ…7 જીત, 7 હાર…14 પોઇન્ટ…+0.459નો રનરેટ
5… ચેન્નઈ…7 જીત, 7 હાર…14 પોઇન્ટ…+0.392નો રનરેટ
6… દિલ્હી…7 જીત, 7 હાર…14 પોઇન્ટ…-0.377નો રનરેટ
7… લખનઊ…7 જીત, 7 હાર…14 પોઇન્ટ…-0.667નો રનરેટ
8… ગુજરાત…5 જીત, 7 હાર…12 પોઇન્ટ…-1.063નો રનરેટ
9… પંજાબ…5 જીત, 9 હાર…10 પોઇન્ટ…-0.353નો રનરેટ
10… મુંબઈ…4 જીત, 10 હાર…8 પોઇન્ટ…-0.318નો રનરેટ