
વિશાખાપટ્ટનમ: કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે દિલ્હી કૅપિટલ્સને 106 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. રાજસ્થાનની જેમ હવે કોલકાતાના પણ છ પૉઇન્ટ છે, જ્યારે ચેન્નઈ ચાર પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. કોલકાતાએ આપેલા 273 રનના તોતિંગ લક્ષ્યાંક તળે દિલ્હીની ટીમ દબાઈ ગઈ હતી. રિષભ પંતની ટીમ 17.2 ઓવરમાં 166 રને ઑલઆઉટ થઈ હતી. ૨૭મી માર્ચે હૈદરાબાદે ત્રણ વિકેટે 277રનનો નવો આઇપીએલ-વિક્રમ કર્યો ત્યાર બાદ મુંબઈની ટીમે એને જોરદાર વળતી લડત આપી હતી અને 246/5 ના સ્કોર પર એનો દાવ પૂરો થયો અને માત્ર ૩૧ રનથી મુંબઈનો પરાજય થયો હતો.
દિલ્હી વતી કૅપ્ટન રિષભ પંત (પંચાવન રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (54 રન, 32 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) સિવાય બીજો કોઈ બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો. ઓપનર પૃથ્વી શો (13 બૉલમાં 18 રન) પાસે ટીમે જે અપેક્ષા રાખી હતી એ ધૂળધાણી થઈ હતી. કોલકતાના પેસ બોલર વૈભવ અરોરા (4-0-27-3) અને સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-33-3) સૌથી સફળ બોલર હતા.
કોલકાતાએ વિક્રમજનક 24.75 કરોડ રૂપિયામાં ખરીદેલો ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક આ સીઝનમાં 12 દિવસ બાદ પહેલી વાર વિેકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે પચીસ રનમાં બે વિકેટ લીધી હતી. તેણે આઉટ કરેલા બન્ને બૅટર તેના જ દેશના હતા. તેણે ડેવિડ વૉર્નર (18)ને ક્લીન બોલ્ડ કર્યો હતો અને મિચલ માર્શ (0)ને કૅચઆઉટ કરાવ્યો હતો. સ્ટાર્કને પહેલી બન્ને મૅચમાં વિકેટ નહોતી મળી.
ગઈ કાલે કોલકાતાએ બૅટિંગ લઈને સાત વિકેટે 272 રન બનાવ્યા હતા. એમાં સુનીલ નારાયણ (85 રન, 39 બૉલ, સાત સિક્સર, સાત ફોર) અને ફિલ સૉલ્ટ (18 રન, 12 બૉલ, ચાર ફોર)ની જોડીએ શરૂ કરેલી ફટકાબાજી સાથે જ દિલ્હીનો પરાજય લખાઈ ગયો હતો. રિન્કુ સિંહ (26 રન, આઠ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર), આન્દ્રે રસેલ (41 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) તેમ જ અંગક્રિશ રઘુવંશી (54 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના પણ મહત્ત્વના યોગદાનો હતા. આખી મૅચમાં કુલ 29 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા જેમાંથી 18 કોલકાતાની ટીમના અને 11 દિલ્હીની ટીમના હતા.