IPL 2024સ્પોર્ટસ

IPL-24 : આઇપીએલમાં છ વર્ષનો રેકૉર્ડ ચાલુ રહેશે તો આ જ ટીમ ચૅમ્પિયન બનશે એ નક્કી છે!

કોલકાતા: શાહરુખ ખાન, જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની માલિકીની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ જ આ વખતે આઇપીએલનું ટાઇટલ જીતશે એવું અગાઉના એના એક રેકૉર્ડ પરથી માનવામાં આવતું હતું, પણ હવે બીજી એક પરંપરા પણ ધ્યાનમાં આવી છે જેના પરથી ફરી વાર કહી શકાય કે 2024ની આઇપીએલની ટ્રોફી કેકેઆરના કૅપ્ટન શ્રેયસ ઐયરના હાથમાં જ જોવા મળશે. આ અનોખી પરંપરા છ વર્ષથી ચાલી આવે છે જેની વિગતો બહુ રસપ્રદ છે.

ફાઇનલ રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેન્નઈમાં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે જેમાં કોલકાતાએ કોની સાથે ટક્કર લેવી પડશે એ શુક્રવારની રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચેના ક્વૉલિફાયર-ટૂ મૅચના પરિણામ પરથી નક્કી થઈ જશે.

કોલકાતાની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં અગાઉ બે વાર ટૉપ-ટૂમાં આવ્યા બાદ ટ્રોફી જીતી હતી. આ વખતે પણ એણે ટૉપ કર્યું છે એટલે ટ્રોફી એ જ જીતશે એવું ઇતિહાસ પરથી કહી શકાય.

આ પણ વાંચો : IPL 2024: CSKના આ ખેલાડીએ RCBને હાર પર જાહેરમાં ટ્રોલ તો કરી પછી…

વધુ નવાઈ એ વાતની છે કે છેલ્લા છ વર્ષથી (છ સીઝનથી) એક ગજબનો સંયોગ બન્યો છે. જો આ સંયોગ આ વખતે પણ જળવાશે તો કોલકાતાનું ચૅમ્પિયન બનવું નક્કી જ સમજી લો. આ સંયોગ ક્વૉલિફાયર-વન સાથે જોડાયેલો છે.
2018થી દરેક સીઝનમાં એક સિલસિલો રહ્યો છે જેમાં ક્વૉલિફાયર-વનમાં વિજયી થનારી ટીમ જ ચૅમ્પિયન બનતી આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો (2018થી 2023 સુધીની) છેલ્લી તમામ છ સીઝનમાં ક્વૉલિફાયર-વનમાં જીતનારી ટીમ જ છેવટે ટાઇટલ જીતી છે. આ વખતે કોલકાતાએ ક્વૉલિફાયર-વનમાં વિજય મેળવ્યો છે એટલે ફાઇનલ પણ એ જ જીતશે એવું માની શકીએ.


ક્વૉલિફાયર-ટૂ મુકાબલો જીતનારી ટીમ ટાઇટલ જીતી હોય એવું છેલ્લે 2017માં બન્યું હતું. ત્યારે રોહિત શર્માના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સને ક્વૉલિફાયર-વનમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે 20 રનથી હરાવ્યા બાદ ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈએ કોલકાતાને છ વિકેટે હરાવ્યા બાદ ફાઇનલમાં ફરી રાઇઝિંગ પુણેનો સામનો કરીને એને એક રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.


ત્યાર બાદ ક્યારેય ક્વૉલિફાયર-ટૂની વિજેતા ટીમ ચૅમ્પિયન નથી બની શકી. આ વખતે ક્વૉલિફાયર-ટૂની મૅચ રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે છે અને એમાં જીતનારી ટીમ ફાઇનલમાં જશે. જો ક્વૉલિફાયર-ટૂની એ વિજેતા ટીમ ફાઇનલમાં (કોલકાતા સામે) પણ વિજયી થશે તો છ વર્ષની પરંપરા તૂટશે. જો એવું નહીં થાય અને કોલકાતા જે અગાઉ જ ફાઇનલમાં પહોંચી ગઈ છે એ ચૅમ્પિયન બનશે તો 2018થી ચાલી આવતી (ક્વૉલિફાયર-વનની વિજેતા ટીમ ચૅમ્પિયન બનવાની) પરંપરા જળવાઈ રહેશે.

પ્લે-ઑફ (Play-Off)માં કોની ટક્કર થઈ, કોની બાકી?

ક્વૉલિફાયર-વન: 21મી મે, અમદાવાદમાં કોલકાતાનો હૈદરાબાદ સામે આઠ વિકેટે વિજય
એલિમિનેટર: 22મી મે, અમદાવાદમાં રાજસ્થાનનો બેન્ગલૂરુ સામે ચાર વિકેટે વિજય
ક્વૉલિફાયર-ટૂ: 24મી મે, ચેન્નઈમાં હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે મુકાબલો
ફાઇનલ: 26મી મે, ચેન્નઈમાં કોલકાતા વિરુદ્ધ ક્વૉલિફાયર-ટૂની વિજેતા ટીમ વચ્ચે ટક્કર

2018-2023 દરમ્યાન ક્વૉલિફાયર-વનની કઈ ટીમ બની ચૅમ્પિયન?

2018માં: ચેન્નઈ, 2019માં: મુંબઈ, 2020માં: મુંબઈ, 2021માં: ચેન્નઈ, 2022માં: ગુજરાત અને 2023માં: ચેન્નઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button