અમદાવાદ: શુક્રવારે ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) તથા સાંઈ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ની જોડીએ પોતાની ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર વિજય તથા વિક્રમો અપાવવાની સાથે આઈપીએલને પણ કેટલાક મહત્વના કીર્તિમાનો આપ્યા:
(1) 17 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટમાં શુક્રવારની મૅચ પહેલાં કુલ 99 વ્યક્તિગત સેન્ચુરી નોંધાઈ હતી. બેંગલૂરુનો વિરાટ કોહલી ગુરુવારે પંજાબ સામે 92 રને આઉટ થયો હતો. જો તેણે સદી પૂરી કરી હોત તો આઈપીએલની એ 100મી સેન્ચુરી કહેવાત. જોકે એ કામ શુભમન ગિલે શુક્રવારે પૂરું કર્યું. તેણે 17 સીઝન જૂની આઈપીએલને 100મી અને સુદર્શને 101મી સેન્ચુરી આપી.
(2) કોઈ એક ટી-20 ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 100 સેન્ચુરી ફટકારાઈ હોય એવું બીજી જ વાર બન્યું છે. ઇંગ્લેન્ડની ટી-20 કપ ટૂર્નામેન્ટની 21 સીઝનમાં કુલ 157 સેન્ચુરી ફટકારાઈ છે.
(3) આઈપીએલની 101માંથી 93 સેન્ચુરી ભારતમાં અને બાકીની આઠ વિદેશી ધરતી પર (સાઉથ આફ્રિકા તથા યુએઈમાં) નોંધાઈ છે.
(4) કોઈ એક ટીમની એક ઇનિંગ્સમાં બે બેટર્સે સદી ફટકારી હોય એવું ત્રીજી વાર બન્યું: 2016માં કોહલી અને ડિવિલિયર્સ ગુજરાત લાયન્સ સામે, 2019માં વૉર્નર અને બેરસ્ટો બેંગલૂરુ સામે, 2024માં ગિલ અને સુદર્શન ચેન્નઈ સામે.
(5) બેંગલૂરુની ટીમ એકેય ટાઈટલ નથી જીતી, પણ એનો ઓપનર કોહલી મોટો રેકોર્ડ-બ્રેકર છે. તેની આઠ સેન્ચુરી આઈપીએલના તમામ વ્યક્તિગત સદીકર્તાઓમાં હાઈએસ્ટ છે. (6) સાત અલગ ટીમ સામે સદી ફ્ટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
(7) ક્રિસ ગેઇલે 30 બૉલમાં બનાવેલી સેન્ચુરી ફાસ્ટેસ્ટ છે. તેણે 2013માં બેંગલૂરુમાં પુણે વોરિયર્સ સામે 66 બૉલમાં 17 સિક્સર અને 13 ફોરની મદદથી અણનમ 175 રન બનાવ્યા હતા. જોકે સ્લોએસ્ટ સદી મનીષ પાન્ડે તથા કોહલીના નામે છે. પાન્ડેએ (2009માં) ડેકકન ચાર્જર્સ સામે 67 બૉલમાં અને કોહલીએ (2024માં) રાજસ્થાન સામે 67 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા.
(8) એક સીઝનમાં સૌથી વધુ ચાર સદીનો વિક્રમ કોહલી (2016માં) અને બટલર (2022માં)ના નામે છે.
(9) એક જ ટીમ સામે સૌથી વધુ ત્રણ સદીનો રેકોર્ડ કેએલ રાહુલ (મુંબઈ ઇન્ડિયન્સ સામે)નો છે.
(10) એક જ ટીમ વતી હાઈએસ્ટ સદી થઈ હોય એ વિક્રમ આરસીબી (રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ)ના નામે છે. એના વતી કુલ 19 સેન્ચુરી ફટકારાઈ છે.
(11) સૌથી વધુ 13-13 સેન્ચુરી કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ સામે ફટકારાઈ છે.
(12) કોહલીની આઠમાંથી ત્રણ સદી બાદ બેંગલૂરુએ હાર જોઈ હતી જે વિક્રમ છે.
(13) રાજસ્થાનના બટલરની સાતેય સદી બાદ રાજસ્થાને વિજય માણ્યો હતો જે પણ એક વિક્રમ છે.
(14) આઈપીએલમાં 101માંથી 32 સેન્ચુરી ટાર્ગેટ ચેઝ કરતી વખતે ફટકારાઈ છે.
(15) આઈપીએલની 101માંથી 76 સેન્ચુરી ઓપનિંગ બેટર્સે, 17 સેન્ચુરી વનડાઉન બેટર્સે, પાંચ સેન્ચુરી ચોથા નંબરના બેટર્સે અને ત્રણ સેન્ચુરી પાંચમા નંબરના બેટર્સે ફટકારી છે.
(16) એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ સેન્ચુરીનો વિક્રમ 2024ના વર્ષમાં નોંધાયો. આ વખતે કુલ 14 સદી નોંધાઈ. એ સાથે 2023ની સીઝનનો 12 સદીનો રેકોર્ડ તૂટ્યો.
(17) કોઈ એક સ્થળે હાઈએસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ વાનખેડે સ્ટેડિયમના નામે છે. અહીં 16 સદી ફટકારાઈ છે.
(18) મનીષ પાન્ડે યંગેસ્ટ સેન્ચુરિયન (2009માં 19 વર્ષની ઉંમરે, બેંગલૂરુ વતી ડેકકન ચાર્જર્સ સામે) છે. ગિલ્ક્રિસ્ટ ઓલડેસ્ટ સેન્ચુરિયન (2011માં 39 વર્ષની ઉંમરે, પંજાબ વતી, બેંગલૂરુ સામે) છે.