IPL 2024ની હરાજી માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન પૂરુંઃ આ તારીખથી ઓક્શન
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2024ની હરાજી માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. ખેલાડીઓના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 નવેમ્બર હતી. આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી દુબઇમાં 19 ડિસેમ્બરે થશે.
બીસીસીઆઈએ આઈપીએલ હરાજી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી હતી. આ પછી ખેલાડીઓ હરાજી માટે નોંધણી કરાવી શકશે નહીં. તાજેતરમાં આઇપીએલ ટીમોએ પોતપોતાના રિટેન કરાયેલા અને રીલિઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી હતી. લગભગ તમામ ટીમોએ ઘણા મોટા નામો જાહેર કર્યા હતા.
ટીમો પાસે રહેલા પૈસાની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડ રૂપિયાનું પર્સ છે. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડ રૂપિયાના પર્સ સાથે હરાજીમાં ઉતરશે.
ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં અનુક્રમે 31.4 કરોડ, 29.1 કરોડ, 28.95 કરોડ અને 15.25 કરોડ બાકી છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું પર્સ છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પાસે અનુક્રમે 13.9 કરોડ અને 13.85 કરોડનું પર્સ છે.