હૈદરાબાદ: પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ આઇપીએલની બહાર થઈ ગઈ હોવાથી એનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હવે ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પ્લે-ઑફમાં પણ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવાનો મનસૂબો ઘડી રહ્યો છે. ખૂબીની વાત એ છે કે રવિવારે પંજાબને હરાવીને જ હૈદરાબાદની ટીમ પ્લે-ઑફમાં બીજા નંબર પર ફિટ થઈ હતી. એ મૅચ પછી પંજાબના અર્શદીપે અભિષેકના મમ્મીને એક ખાસ વિનંતી કરી હતી જેનો વીડિયો અભિષેકની બહેને સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે.
અભિષેક રવિવારે 66 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો અને એક સીઝનમાં સૌથી વધુ (41) સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડીઓમાં તેણે વિરાટ કોહલી (38 સિક્સર)ને પાછળ રાખી દીધો હતો. એ રાત્રે મૅચ પૂરી થયા બાદ અર્શદીપ સાથેનો અર્શદીપનો હૃદયસ્પર્શી વીડિયો મીડિયામાં શૅર કરાયો છે. મૅચ પછી બન્ને પ્લેયર એક સ્ટૅન્ડમાં ભેગા ગયા હતા જ્યાં અભિષેકના મમ્મી મંજુ શર્મા અને તેની બહેન કોમલ શર્મા બેઠા હતા. અર્શદીપ મંજુ શર્મા પાસે ગયો અને તેમના આશીર્વાદ લીધા હતા. અર્શદીપે પંજાબી ભાષામાં મંજુ શર્માને કહ્યું, ‘તમે તમારા દીકરાને આપ્યા એવા જ આશીર્વાદ મને પણ આપો.’
કોમલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્ટોરી સાથે એ ભાવુક ઘટનાનો જે વીડિયો શૅર કર્યો એને ક્રિકેટપ્રેમીઓ તરફથી ખૂબ ગમ્યો હતો અને તેમણે અર્શદીપની ખૂબ પ્રશંસા કરી હતી.
જોકે અભિષેક શર્માના મમ્મી અને બહેને હરીફ ટીમના ખેલાડીને લગતો હૃદયસ્પર્શી વીડિયો મીડિયામાં શૅર કર્યો હોય એવું પહેલી વાર નથી બન્યું. ગયા અઠવાડિયે ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ ત્યાર બાદ ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલને અભિષેક પોતાના પરિવારના મેમ્બર્સ જે સ્ટૅન્ડમાં બેઠા હતા ત્યાં લઈ ગયો હતો જ્યાં ગિલે પણ મંજુ શર્માના આશીર્વાદ લીધા હતા.