ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલ વર્લ્ડ કપની બહાર: આ જાણીતી આક્રમક ઓપનર ટીમમાં | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલ વર્લ્ડ કપની બહાર: આ જાણીતી આક્રમક ઓપનર ટીમમાં

નવી મુંબઈ: ભારતીય મહિલા ટીમની યુવાન અને ભરોસાપાત્ર ઓપનિંગ બૅટર પ્રતીકા રાવલે વન-ડે વર્લ્ડ કપની છ મૅચમાં સેકન્ડ હાઈએસ્ટ 308 રન કરીને ભારતીય ટીમને સેમિ ફાઈનલમાં પહોંચાડી, પરંતુ જમણા ઘૂંટણ અને ઘૂંટીની ગંભીર ઈજાને કારણે હવે તે નૉકઆઉટ રાઉન્ડની મહત્વની મૅચોમાં જ નહીં રમી શકે એટલે તેના સ્થાને સિલેકટરોએ યુવાન ઓપનર અને જૂની ને જાણીતી આક્રમક બૅટર શેફાલી વર્માને ટીમમાં સમાવી છે.

રવિવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમના મેદાન પર બાંગ્લાદેશ સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન પ્રતીકા રાવલનો પગ મચકોડાઈ ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 365 રન કરનાર સ્મૃતિ મંધાના પછીની બીજા નંબરની ટોપ-સ્કોરર પ્રતીકા રાવલ (Pratika Rawal) હવે સ્પર્ધાની બહાર થઈ ગઈ છે અને તેનાં સ્થાને શેફાલી વર્માને સ્કવૉડમાં સમાવી લેવામાં આવી છે. શેફાલી ભારતની મૂળ ટીમમાં હતી જ નહીં, પરંતુ સિલેક્ટરોએ ટીમમાં સામેલ તેજલ હસબનીસ કરતાં શેફાલી વર્મા પર વધુ ભરોસો મૂક્યો છે.

સેમિ ફાઇનલ ક્યારે રમાશે

બુધવાર, 29મી ઑક્ટોબરે ગુવાહાટીની પ્રથમ સેમિ ફાઇનલ (semi final)માં ઇંગ્લૅન્ડનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે અને ત્યારબાદ ગુરુવાર, 30મી ઑક્ટોબરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે. બંને સેમિ ફાઇનલ માટે તેમ જ રવિવારની ફાઇનલ માટે આઇસીસીએ રિઝર્વ-ડે રાખ્યા છે.

શેફાલી એક વર્ષથી ભારત વતી નથી રમી

હરિયાણાની 21 વર્ષીય શેફાલી વર્મા ભારત વતી 29 વન-ડે રમી છે જેમાં તેણે ચાર હાફ સેન્ચુરીની મદદથી કુલ 644 રન કર્યા છે. જોકે ભારત વતી છેલ્લે તે ઑક્ટોબર 2024માં રમી હતી. વર્લ્ડ કપની શરૂઆત પહેલા ટીમ સિલેક્ટ કરવામાં આવી ત્યારે સિલેકટરોએ શેફાલી વર્માને બદલે પ્રતીકા રાવલને ઓપનિંગ બૅટર તરીકે ટીમમાં સમાવવાનું નક્કી કર્યું હતું. યોગાનુયોગ હવે પ્રતીકા રાવલના સ્થાને શેફાલીને રમવા મળી રહ્યું છે.

શેફાલીને જ કેમ સિલેક્ટ કરવામાં આવી

શેફાલી વર્મા (Shefali Verma) તાજેતરમાં ઇન્ડિયા-એ ટીમ વતી 50 ઓવરની મૅચોમાં રમી હતી. એમાં તેણે ઑસ્ટ્રેલિયા-એ સામેની મૅચમાં બાવન રન અને ન્યૂ ઝીલેન્ડ-એ સામેની મૅચમાં 70 રન કર્યા હતા. શેફાલીએ ડિસેમ્બર 2024માં ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણા વતી 75.28ની સરેરાશે કુલ 527 રન કર્યા હતા. એમાંની એક મૅચમાં તેણે બેંગાલ સામે ફક્ત 115 બૉલમાં 197 રન કર્યા હતા. ત્યાર બાદ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)માં તેણે ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું અને દિલ્હી કેપિટલ્સ વતી 152.76ના સ્ટ્રાઈક-રેટ સાથે 304 રન કર્યા હતા.

આ પણ વાંચો…શ્રેયસ અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યો; આંતરિક રક્તસ્ત્રાવને કારણે ચિંતા વધી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button