સ્પોર્ટસ

ઈજાગ્રસ્ત મૅક્સવેલ આઉટઃ ખરાબ રમ્યો છતાં 2.70 કરોડ રૂપિયા બનાવી લીધા!

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): ઑસ્ટ્રેલિયાનો ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ જમણા હાથની આંગળીના ફ્રૅક્ચરને લીધે વર્તમાન આઇપીએલ (IPL-2025)ની બહાર થઈ ગયો છે અને એ જોતાં લૉકી ફર્ગ્યુસન બાદ હવે મૅક્સવેલની પણ બાદબાકી થઈ જતાં પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ છે. જોકે પંજાબના ફ્રૅન્ચાઇઝીને મૅક્સવેલ ખૂબ મોંઘો પડ્યો. પંજાબે તેને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબની ટીમ દસમાંથી છ મૅચ જીતી છે, ત્રણ હારી છે અને એક મૅચ અનિર્ણિત રહી છે અને આ ટીમ 13 પૉઇન્ટ અને +0.199ના રનરેટ સાથે બીજા નંબરે છે.

આ પણ વાંચો: પંજાબે ફીલ્ડિંગ લીધી, મૅક્સવેલ ફ્રૅક્ચરને લીધે ટૂર્નામેન્ટમાંથી લગભગ આઉટ

મૅક્સવેલને સામે વરસાદને લીધે અનિર્ણિત રહેલી કોલકાતા સામેની મૅચ દરમ્યાન ઈજા થઈ હતી. એ મૅચમાં તે ફક્ત સાત રન કરીને આઉટ થઈ ગયો હતો. બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મૅચમાં મૅક્સવેલના સ્થાને સુર્યાંશ શેડગેને ટીમમાં સમાવાયો હતો. પંજાબે એ મૅચ ચાર વિકેટે જીતી લીધી હતી.

મૅક્સવેલ આ વખતે જે સાત મૅચ રમ્યો એમાં તેણે કુલ ફક્ત 48 રન કર્યા અને માત્ર ચાર વિકેટ લીધી. સાતમાંથી એક મૅચમાં તેની બૅટિંગ નહોતી આવી. બાકીની છ મૅચમાં તેના સ્કોર્સની વિગતઃ 0, 30, 1, 3, 7, 7.

આ પણ વાંચો: મૅક્સવેલે રોહિતના કયા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરીને ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું?

આઇપીએલમાં જે ખેલાડી જે મૅચમાં રમવા માટે ઉપલબ્ધ હોય (તેને એમાં રમવા મળે કે ન મળે) એ બદલ તેને ફ્રૅન્ચાઇઝી તરફથી કૉન્ટ્રૅક્ટ મનીનો હિસ્સો મળે છે. જો આ ખેલાડી કોઈ મૅચ માટે (ઈજા કે અન્ય કોઈ કારણસર) ઉપલબ્ધ ન હોય તો એ મૅચની રકમ કુલ કૉન્ટ્રૅક્ટ મનીમાંથી કપાઈ જાય છે. સામાન્ય રીતે દરેક ખેલાડીને સરેરાશ કુલ 14 મૅચ બદલ પૈસા મળે છે.
પંજાબની આ વખતે 10 મૅચ રમાઈ. બુધવારની ચેન્નઈ સામેની મૅચ માટે તે ઈજાને લીધે ઉપલબ્ધ નહોતો. એ રીતે, નવમાંથી સાત મૅચમાં મૅક્સવેલ રમ્યો. બાકીની બે મૅચ માટે તે ઉપલબ્ધ હતો.

મૅક્સવેલને ઍક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા સહિતના પંજાબના માલિકોએ 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને આ 4.20 કરોડની રકમની ગણતરીએ નવ મૅચના અંદાજે કુલ 2.70 કરોડ રૂપિયા મળશે એવું માનવામાં આવે છે. જોકે આ નવમાંથી સાત મૅચમાં પર્ફોર્મન્સના નામે એકંદરે મીંડું જ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button