2022માં બૉમ્બ બ્લાસ્ટમાં ઈજા, 2025માં તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

2022માં બૉમ્બ બ્લાસ્ટમાં ઈજા, 2025માં તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન

નવી દિલ્હીઃ સાઉથ કોરિયામાં શનિવારે તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા તોમન કુમારે (Toman Kumar) ત્રણ વર્ષમાં ભારે સંઘર્ષ કરીને (પોતાની કૅટેગરીમાં) વિશ્વમાં સર્વોત્તમ તીરંદાજ (Archery) બનવાની અપ્રતિમ સિદ્ધિ મેળવી છે. 2022માં તોમન કુમારે છત્તીસગઢમાં નક્સલવાદીઓના બૉમ્બ બ્લાસ્ટમાં ડાબો પગ ગુમાવ્યો હતો.

30 વર્ષનો તોમન કુમાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ)માં કૉન્સ્ટેબલ છે. તે દિવ્યાંગ તીરંદાજો માટેની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હરીફાઈઓમાં અત્યાર સુધીમાં કુલ સાત ચંદ્રક જીત્યો છે.

તોમન કુમાર શનિવારે કોરિયામાં વર્લ્ડ આર્ચરી પૅરા ચૅમ્પિયનશિપમાં મેન્સ કમ્પાઉન્ડ વર્ગમાં પ્રથમ સ્થાને આવતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફેબ્રુઆરી, 2022માં છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સીઆરપીએફના જવાનોને નક્સલવાદીઓથી ખદબદતા નવા ટાર્ગેટ એરિયામાં સાફસૂફી કરવાનું કામ સોંપાયું હતું ત્યારે લશ્કરી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને એમાં ફરજ પરના બે પોલીસમાંના એક તોમન કુમારને ગુપ્ત રીતે સંતાડવામાં આવેલું ઇમ્પ્રુવાઇઝડ એક્સ્પ્લોઝીવ ડિવાઇસ (આઈઇડી) બ્લાસ્ટ થતાં પગમાં ગંભીર ઈજા થઈ હતી. તોમનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. જોકે તે હિંમત નહોતો હાર્યો અને સાજા થયા બાદ થોડા સમય પછી તેણે તીરંદાજીની પ્રૅક્ટિસ શરૂ કરી હતી.

તોમન વિશે સીઆરપીએફના એક અધિકારીએ પીટીઆઇને કહ્યું હતું કે ` તોમને પુરવાર કર્યું છે કે શરીરનો મહત્ત્વનો ભાગ ગુમાવ્યા પછી પણ અલગ રીતે દેશનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકાય અને એમાં સિદ્ધિ પણ મેળવી શકાય.’

સીઆરપીએફ વિશ્વનું સૌથી મોટું અર્ધ-લશ્કરી દળ છે જેમાં કુલ 3.25 લાખ જવાનો ફરજ બજાવે છે. તેઓ આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને ઘૂસણખોરોનો નાશ કરવા માટેના કાર્યો ઉપરાંત બીજા ઘણા આવશ્યક કાર્યોમાં ભૂમિકા ભજવતા હોય છે. 2016થી અત્યાર સુધીમાં દેશના કેટલાક ભાગોમાં નક્સલવાદીઓ દ્વારા સંતાડવામાં આવતા આઈઇડીના બ્લાસ્ટમાં કુલ મળીને 46 જેટલા સીઆરપીએફ જવાનોએ શરીરના ભાગ ગુમાવ્યા છે.

આપણ વાંચો:  IND vs PAK એશિયા કપ ફાઇનલ; પાકિસ્તાનના આ 5 ખેલાડીઓ બાજી પલટી શકે છે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button