ઈંદોરમાં ઑસ્ટ્રેલિયાની બે મહિલા ખેલાડીઓ સાથે ગેરવર્તન કરનાર પકડાયો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઈંદોરમાં ઑસ્ટ્રેલિયાની બે મહિલા ખેલાડીઓ સાથે ગેરવર્તન કરનાર પકડાયો

ઈંદોર: ઑસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરોનો પીછો કરનાર અને તેમનો વિનયભંગ કરનાર પુરુષની ધરપકડ કરવામાં આવી છે. આ બે મહિલા ખેલાડીઓ ગુરુવારે સવારે અગિયારેક વાગ્યે હૉટેલમાંથી બહાર આવીને નજીકના કૅફે તરફ જઈ રહી હતી ત્યારે તેમની છેડતી કરાઈ હતી. આરોપીને અકિલ ખાન તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એક રાહદારીએ શકમંદની બાઈકનો નંબર નોંધી લીધો હતો અને એના આધારે આરોપી ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

ઈંદોર (Indore)ની ક્રાઈમ બ્રાન્ચના વધારાના ડીસીપી રાજેશ દંડોતિયાએ માહિતી આપી હતી કે ‘ અમને ઑસ્ટ્રેલિયન સિક્યોરિટી ટીમ તરફથી ફરિયાદ મળી હતી કે બે મહિલાઓની સાથે ગેરવર્તન (molestation) કરવામાં આવ્યું છે. ગુરુવારે રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો અને સઘન વ્યૂહાત્મક ઑપરેશન બાદ આરોપીને પકડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપની ફાઇનલ ડીવાયમાંઃ પાકિસ્તાની ટીમ ખાલી હાથે સ્વદેશમાં…

બે મહિલા ખેલાડીઓના વિનયભંગની ટીકા કરતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ બનાવને કમનસીબ અને માનહાનિ કરનારો વર્ણવ્યો હતો. બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ કહ્યું હતું કે આ કમનસીબ બનાવ હતો. આ પ્રકારનો બનાવ બદનામી અપાવે છે. રાજ્ય પોલીસે તત્કાળ પગલાં લઈને આરોપીને પકડયો એની અમે સરાહના કરીએ છીએ. કાયદો ગુનેગારને સજા કરશે.’

વિશ્વ કપમાં ભાગ લઈ રહેલી ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની બે ક્રિકેટર (2 cricketers)નો પીછો કરવામાં આવ્યો હતો અને એકનો વિનયભંગ કરવામાં આવ્યો હતો. આ બનાવ ખજરાના રોડ પર બન્યો હતો. મહિલાઓ હૉટેલથી નજીકની કૅફે ગઈ હતી. એક માણસે બાઈક પર તેમનો પીછો કર્યો હતો અને એક મહિલાને સ્પર્શ કરીને ભાગી ગયો હતો. ખેલાડીઓએ તરત જ ટીમના સિક્યોરિટી ઑફિસર ડેની સિમોન્સને માહિતી આપી હતી. સિમોન્સે સ્થાનિક સુરક્ષા અધિકારીને જાણ કરી હતી.

પોલીસના આસિસ્ટન્ટ કમિશનર હિમાની મિશ્રે મહિલાના નિવેદન નોંધ્યા હતા. અને કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. એમઆઈજી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપી અકિલ ખાન અગાઉ ઘણા ગુના કરી ચૂક્યો છે.

(એજન્સી)

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button