ગુજરાતી ખેલાડીઓના જોરે ભારતની અન્ડર-19 ટીમની ક્લીન સ્વીપ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ગુજરાતી ખેલાડીઓના જોરે ભારતની અન્ડર-19 ટીમની ક્લીન સ્વીપ

મકાય (ઑસ્ટ્રેલિયા): ભારતની અન્ડર-19 ટીમે અહીં ઑસ્ટ્રેલિયાની જુનિયર ટીમને બીજી યુથ ટેસ્ટમાં સાત વિકેટે પરાજિત કરીને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી છે. ભારતીય ટીમને ફક્ત 81 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતે (under -19) ત્રણ વિકેટે મેળવી લીધો હતો.

અમદાવાદનો વેદાંત ત્રિવેદી (Vedant Trivedi) 33 રને અણનમ રહ્યો હતો. પ્રથમ દાવમાં તેણે પચીસ રન કર્યા હતા. આ મૅચમાં વલસાડના ઑલરાઉન્ડર હેનિલ પટેલે કુલ છ વિકેટ અને મોડાસાના ઑલરાઉન્ડર ખિલાન પટેલે કુલ ચાર વિકેટ લીધી હતી. પેસ બોલર હેનિલ પટેલ તથા સ્પિનર ખિલાન પટેલની બોલિંગના જોરે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમને પ્રથમ દાવમાં 135 રનમાં ઑલઆઉટ કરી શકી હતી.

ભારતીય ટીમે 171 રન કરીને 36 રનની સરસાઈ મેળવી હતી. ઑસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં માત્ર 116 રન કરી શકી અને ભારતની જુનિયર ટીમને જીતવા માત્ર 81 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

યુથ ટેસ્ટની 2-0ની ક્લીન સ્વીપ પહેલાં ભારતની અન્ડર-19 ટીમે ઑસ્ટ્રેલિયા અન્ડર-19ને વન-ડે શ્રેણીમાં 3-0થી હરાવી હતી.

આપણ વાંચો : સ્મૃતિ મંધાના સાઉથ આફ્રિકાને ભારે પડી શકે, હરમન મોટા વિક્રમની નજીક

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button