‘પ્રિય ક્રિકેટ, મને વધુ એક તક આપ’… આવું કહેનાર ભારતનો ટ્રિપલ સેન્ચુરિયન જબરદસ્ત ફોર્મમાં છે…
ઉપરાઉપરી ચાર સેન્ચુરી અને 664.00ની ઐતિહાસિક બૅટિંગ ઍવરેજ
વડોદરા: ભારત વતી 2016-2017 દરમિયાન છ ટેસ્ટ રમનાર અને ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દર સેહવાગ પછીનો ભારતનો બીજો એકમાત્ર ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયર ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મેળવવા તત્પર છે. તેણે ‘એક્સ’ પર એક ટ્વીટમાં એટલું જ લખ્યું છે કે ‘પ્રિય ક્રિકેટ મને વધુ એક મોકો આપ.’
કરૂણ નાયર ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા આતુર હોય એમાં કંઈ જ ખોટું નથી એ સાથે તમામ ક્રિકેટપ્રેમીઓ સહમત થશે જ.
કારણે છે કે કરુણ હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે વિદર્ભની ટીમને સેમિ ફાઇનલમાં પહોંચાડી છે.
તેણે લાગલગાટ ચાર સેન્ચુરી ફટકારી છે. છેલ્લી કુલ છમાંથી પાંચ ઇનિંગ્સમાં તે સદી નોંધાવવામાં સફળ થયો છે: 122 નોટઆઉટ, 112, 111 નોટઆઉટ, 163 નોટઆઉટ, 44 નોટઆઉટ અને 112 નોટઆઉટ.
કરુણ છેલ્લી છમાંથી પાંચ ઇનિંગ્સમાં નોટઆઉટ રહ્યો છે.
વિદર્ભના કેપ્ટન કરુણે છેલ્લા છ દાવમાં કુલ 664 રન બનાવ્યા છે અને એમાં એક જ વખત આઉટ થયો હોવાથી તેમ જ તેની પાંચ ઇનિંગ્સ મોટા સ્કોરવાળી હોવાથી હાલમાં આ ટૂર્નામેન્ટમાં તેની બૅટિંગ-એવરેજ પણ 664.00 છે.
કરુણ નાયરે રવિવારે રાજસ્થાન (50 ઓવરમાં 291/8) સામે વિજય હઝારે ટ્રોફીની કવોર્ટર ફાઈનલમાં વિદર્ભ (43.3 ઓવરમાં 292/1)ને યાદગાર વિજય અપાવ્યો હતો અને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું. કરુણ અને ઓપનર ધ્રુવ શોરે (118 રન) વચ્ચે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી થઈ હતી.
કરુણ નાયરે 2016માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના પહેલા દાવમાં પાંચમાં નંબરે બૅટિંગ કરીને અણનમ 303 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો…ગુજરાત ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે હાઇ કોર્ટમાં કેમ થઈ અરજી?
રવિવારની છેલ્લી કવોર્ટર ફાઇનલમાં ગુજરાત (196/10)નો હરિયાણા ((44.2 ઓવરમાં 201/8) સામે પરાજય થતાં હરિયાણાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.
હવે સેમિમાં કર્ણાટક-હરિયાણા અને વિદર્ભ-મહારાષ્ટ્ર વચ્ચે મુકાબલો થશે.