T20 World Cup: વિરાટ કેપ્ટન રોહિત સાથે ઓપનીંગ કરતો જોવા મળી શકે છે! સિલેક્ટર્સ કરી રહ્યા છે વિચારણા
મુંબઈ: આગામી જુન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ(ICC Cricket world cup) યોજાવાનો છે. એ પહેલા ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મહત્વની રહેશે, ભારતના BCCI ઉપરાંત અન્ય દેશોના ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સની નજર IPLમાં ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે. એવામાં એક અહેવાલ મુજબ આગામી T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે વિરાટ કોહલી ઓપનિંગ કરવા મેદાન પર ઉતરી શકે છે.
એક અખબારી અહેવાલ મુજબ અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્ટર્સ કમિટી વિરાટ કોહલીને રોહિતના ઓપનિંગ પાર્ટનર તરીકે પસંદ કરવા વિચાર કરી રહી છે. અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં કોહલીને ઓપનર તરીકે ટીમમાં સમાવવા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં કેપ્ટન રોહિત, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.
T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં વિરાટ કોહલીના સ્થાન અંગે ઘણી અટકળો ચાલી રહી છે, અહેવાલ મુજબ આગામી 15-20 દિવસમાં ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ પછી રોહિત, દ્રવિડ અને સિલેક્ટર્સની મુલાકાત થઈ ત્યારે કોહલીનું T20 ટીમમાં સ્થાન નિશ્ચિત નહોતું. પરંતુ IPLમાં વિરાટના પ્રદર્શન બાદ સ્થિતિ બદલાઈ છે.
અહેવાલ મુજબ કોહલી T20 વર્લ્ડ કપમાં તેના સ્થાન વિશે પસંદગી સમિતિ પાસેથી સ્પષ્ટતાની માંગ કરી હતી. કોહલી IPLની છેલ્લી કેટલીક સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે નિયમિતપણે ઓપનિંગ કરી રહ્યો છે. તેણે IPLની આ સિઝનની સાત મેચો હાલ 147ની સ્ટ્રાઈક રેટથી 361 રન બનાવ્યા છે, ઓરેન્જ કેપ હાલ વિરાટના માથે છે. તેણે એક સદી પણ ફટકારી છે.
કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા પણ ઓપનીંગ કરી છે. તેણે 2008માં શ્રીલંકા સામે વનડેમાં ઓપનર તરીકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે.
કોહલીની ઓપનર તરીકેની એન્ટ્રી થશે તો યશસ્વી જયસ્વાલે બહાર બેસવું પડી શકે છે. સિલેક્ટર્સ શુભમન ગીલને બેકઅપ ઓપનર તરીકે ટીમમાં લેવા વિચારી રહ્યા છે. IPL પહેલા જયસ્વાલ ઓપનરનું સ્થાન મેળવવા માટેની રેસમાં સૌથી આગળ હતો પરંતુ IPLની પ્રથમ કેટલીક મેચો પછી શુભમન ગીલની દાવેદારી મજબુત થઇ છે. IPLમાં જયસ્વાલ સારું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ જયસ્વાલ લેફ્ટ હેન્ડર, જેના માટે તેને ફાયદો મળી પણ શકે છે.