આવતી કાલથી ભારતની બીજી ટેસ્ટ: લંચ-બ્રેકની પહેલાં ટી-બ્રેક! બૅડ-લાઇટની સમસ્યા નડી શકે

ગુવાહાટી: કેપ્ટન શુભમન ગિલ વિનાની ભારતીય ક્રિકેટ ટીમ આવતી કાલે અહીં સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ (Test) જીતીને શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવાની ચિંતામાં તો છે જ, બીજી કેટલીક સમસ્યાનો પણ ટીમ ઇન્ડિયાએ સામનો કરવો પડશે. જોકે આ અન્ય સમસ્યાઓ બંને ટીમને લાગુ પડે એવી છે. ગિલ ગરદનના દુખાવાને લીધે નથી રમવાનો. રિષભ પંત સુકાન સંભાળશે.
વાત એવી છે કે ગુવાહાટીમાં સાંજે સૂર્યાસ્ત વહેલો થતો હોવાથી બૅડ-લાઇટની સમસ્યા કદાચ નડી શકે. જોકે આ મૅચ રોજ અડધી કલાક વહેલી (સવારે 9:00 વાગ્યે) શરૂ થવાની હોવાથી સૂર્યાસ્ત (Sunset) પહેલાં સાંજે 4.00 વાગ્યે રમત પૂરી કરી દેવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ખેલાડીઓ માટેના ટાઈમટેબલમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.
એક અહેવાલ મુજબ મૅચમાં ખેલાડીઓએ લંચ-બ્રેક પહેલાં ટી-બ્રેક માણવો પડશે.
ગુવાહાટીમાં સૂર્યાસ્ત સૌથી વહેલો
આસામ રાજ્ય દેશના સૌથી દૂર પૂર્વ ભાગમાં આવેલું હોવાથી ત્યાંના ગુવાહાટી શહેરમાં મુંબઈ અને દિલ્હી કરતાં સૂર્યાસ્ત વહેલો થતો હોય છે. એ જોતાં, રમત સવારે (9.30ને બદલે) 9:00 વાગે શરૂ કરવામાં આવશે અને સાંજે (4.30ને બદલે) 4.00 વાગ્યે પૂરી કરી નાખવામાં આવશે કે જેથી બૅડ-લાઈટની સમસ્યા નડે નહીં.
ટાઈમટેબલમાં કયો અનોખો ફેરફાર થશે
દરેક દિવસે રમતનું પહેલું સત્ર સવારે 9:00 વાગ્યે શરૂ થશે અને 11:00 વાગ્યે પૂરું થશે. સામાન્ય રીતે પ્રથમ સત્ર બાદ ખેલાડીઓ લંચ (lunch) માટે પાછા આવતા હોય છે, પરંતુ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ખેલાડીઓ 11:00 વાગ્યે ટી-બ્રેક માટે પાછા આવશે. સવારે 11.00 વાગ્યે કોઈ લંચ ન લેતા હોય એટલે ગુવાહાટી (Guwahati)માં 11.00 વાગ્યે ટી-બ્રેક પાડવામાં આવશે. 11.20 વાગ્યે બીજા સત્રની રમત શરૂ થશે જે બપોરે 1.20 સુધી ચાલશે. 1.20 વાગ્યે લંચ-બ્રેક શરૂ થશે અને 2.00 વાગ્યે છેલ્લા સત્રની રમતનો આરંભ થશે અને 4.00 વાગ્યે એ દિવસની રમત સમાપ્ત થશે. અગાઉ પૂર્વના એક રાજ્યમાં રમાયેલી એક રણજી મૅચમાં સમયપત્રકમાં આ રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો.
સુદર્શનને વહેલો ટ્રી-બ્રેક ગમશે
શુભમન ગિલના સ્થાને કદાચ સાઈ સુદર્શનને આ મૅચમાં રમવા મળશે. તેણે આ મૅચ માટેના અનોખા ટાઈમટેબલ વિશે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ‘ મને તો લંચ-બ્રેકની પહેલાં ટી-બ્રેક લેવાનું ગમશે, કારણકે હું તો લંચ દરમ્યાન જ ચા પી લેતો હોઉં છું. એટલે હું તો લંચના સમયે ટી-બ્રેક એન્જૉય કરવાનો છું. હા, અનોખું ટાઈમટેબલ અમારા માટે નવું હશે, પણ અમે બધા એનાથી ટેવાઈ જઈશું.’
આપણ વાંચો: વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા જવા રવાના; G20 સમિટ અને IBSA ફોરમમાં આપશે હાજરી



