ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ
શેટેરૉક્સ: ભારતની રુબિના ફ્રાન્સિસ શનિવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ સાથે, આ રમતોત્સવમાં નિશાનબાજીમાં ભારતના ચંદ્રકની સંખ્યા ચાર થઈ છે. ભારતના ખાતે આવેલો આ પાંચમો મેડલ હતો.
રુબિનાએ ઍર પિસ્તોલ એસએચ-1 ઇવેન્ટમાં કુલ 211.1 પૉઇન્ટના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
આઠ ફાઇનલિસ્ટ વચ્ચેના નિર્ણાયક મુકાબલામાં તે સાતમા સ્થાને ક્વૉલિફાય થઈ હતી અને છેવટે ત્રીજા નંબર પર રહેતાં તેને કાંસ્ય ચંદ્રક અપાયો હતો.
એસએચ-1 કૅટેગરીમાં એવા દિવ્યાંગ ઍથ્લીટ હોય છે જેઓ ખાસ કોઈ મુશ્કેલી વગર પિસ્તોલ પકડી શકતા હોય છે અને તેમણે ઊભા રહીને અથવા વ્હીલચેરમાં બેઠા રહીને કે ખુરસીમાં બેઠા રહીને લક્ષ્યાંક પર ગોળી છોડવાની હોય છે.
શુક્રવારે ભારતને અવની લેખરાએ આ પૅરાલિમ્પિક્સનો પ્રથમ મેડલ અપાવ્યો હતો જે ગોલ્ડના રૂપમાં હતો. તે 10 મીટર ઍર રાઇફલ શૂટિંગની હરીફાઈમાં આ ચંદ્રક જીતી હતી. સતત બે પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય શૂટર છે. એ જ હરીફાઈમાં મોના અગરવાલ બ્રૉન્ઝ જીતી હતી.
શુક્રવારે શૂટિંગમાં મનીષ નરવાલ પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.