વરસાદ પડ્યો એમાં રોહિત અને ગિલને સૌથી વધુ નુકસાન, કેવી રીતે જાણો છો?

કૅનબેરાઃ અહીં (સવારે 9.10 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન વચ્ચે બે દિવસીય પ્રૅક્ટિસ-મૅચ શરૂ થવાની હતી, પણ વરસાદને કારણે મૅચ શરૂ નહોતી થઈ શકી. કૅપ્ટન રોહિત શર્મા અને બૅટર શુભમન ગિલ પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતા રમ્યા અને છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડમાં શરૂ થનારી બીજી ટેસ્ટ (પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ) પહેલાં તેમને આ મૅચમાં રમીને પ્રૅક્ટિસ કરવાની ખાસ જરૂર હતી, પરંતુ રમત ન થઈ શકતા તેમણે નિરાશ થવું પડ્યું હતું.
રોહિત બીજી વાર પિતા બન્યો છે. તેની પત્ની રિતિકાએ તાજેતરમાં પુત્રને જન્મ આપ્યો હતો અને તેની પડખે રહેવા માટે થઈને રોહિત પહેલી ટેસ્ટમાં નહોતો રમ્યો. શુભમન ગિલને હાથના અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી જેને લીધે તે પર્થની ટેસ્ટમાં નહોતો રમ્યો.
આ પણ વાંચો: પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…
હવે આ બે દિવસીય મૅચનો પહેલો દિવસ ધોવાઈ ગયો હોવાથી રવિવારનો એક દિવસ બાકી રહ્યો છે જેમાં 50-50 ઓવરની વન-ડે મૅચ રમવા બન્ને ટીમ સંમત થઈ છે.
ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા રમવાનો છે એટલે દેવદત્ત પડિક્કલને પડતો મૂકવામાં આવશે, જ્યારે ગિલને ઇલેવનમાં સમાવવા ધ્રુવ જુરેલને ડ્રૉપ કરવામાં આવશે.
ટીમ ઇન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓ પર્થમાં રમ્યા હોવાથી તેમને પૂરી મૅચ-પ્રૅક્ટિસ થઈ છે, પણ રોહિત અને ગિલે મોટા ભાગે સઘન મૅચ-પ્રૅક્ટિસ વગર ઍડિલેઇડમાં રમવું પડશે.