IND vs ENG મુંબઇ ટી-20 માટે ભારતીય ટીમમાં ફેરબદલ, ત્રણ ખેલાડીઓની એન્ટ્રી, આવી હશે ટીમ

મુંબઇઃ ભારત તેની છેલ્લી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ (T20I) બે ફેબ્રુઆરીના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમશે. પુણે ખાતે રમાયેલી ચોથી T20Iમાં ભારતે જીત મેળવી હતી અને પાંચ T20 મેચની શ્રેણીમાં 3-1ની અજય મેળવી લીધી હતી. મેન ઇન બ્લ્યુની ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે અને જીત સાથે જ શ્રેણીનો અંત લાવવા માંગશે. જોકે, જોસ બટલરની ટીમ પણ મેચમાં વાપસી માટે મરણિયા પ્રયાસો કરશે જ.
પુણે ખાતેની ઇંગ્લેન્ડ સામેની ચોથી T20I ભારતે 15 રનથી જીત મેળવી હતી. પુણે ખાતેની મેચમાં ભારતીય બેટ્સમેન શિવમ દુબેને માથામાં ઇજા થઇ હતી. તે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો નહોતો. હકીકતમાં શિવમ દુબે ટીમ ઇન્ડિયાનો ભાગ નહોતો, પણ નીતીશ રેડ્ડીને ઇજા થવાને કારણે તેને ટીમમાં એન્ટ્રી મળી હતી. જોકે, પુણે ખાતેની મેચમાં શિવમ દુબેએ જવાબદારીભરી મજબૂત ઇનિંગ રમી 53 રન બનાવ્યા હતા અને પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ પણ મેળવ્યો હતો. શિવમ દુબેને ઇજામાંથી તુરંત સાજા થવાની શક્યતા નહીં હોવાથી હવે તેને મુંબઇમાં યોજાનારી અંતિમ મેચમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. રિંકુ સિંહ પણ બીજી અને ત્રીજી T20I માટે ફિટ નહોતો અને તેના સ્થાને રમનદીપ સિંહને લેવામાં આવ્યો હતો.
ભારત બે ઝડપી બોલર સાથે રમવા ઉતરી શકે છેઃ
-ચોથી મેચમાં જમણા હાથના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને શિવમ દુબેના કન્સ્યુશન સબ તરીકે ટીમમાં લેવામાં આવ્યો હતો. હર્ષિત રાણા કન્સ્યુશન સબ તરીકે ડેબ્યુ કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો અને તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેને કારણે ભારતે ચોથી T20I 15 રનથી જીતી લીધી હતી. (ભારતે 181 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડમે 166 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. ) તેથી હવે અંતિમ T20Iમાં તેનું સ્થાન નિશ્ચિત જ મનાય છે. મુંબઇ ખાતે રમાનારી પાંચમી અને છેલ્લી T20I ભારત તેની ટીમમાં ફેરફાર કરી શકે છે અને બે ફાસ્ટ બોલર સાથે રમવા ઉતરી શકે છે. મુંબઇનું ગ્રાઉન્ડ બેટિંગ માટે ઉત્તમ છે. ઉપરાંત અહીંની બાઉન્ડ્રી પણ નાની છે. તેથી ભારત ત્રણના બદલે બે સ્પીનરને ટીમમાં સ્થાન આપશે. જો આમ થશે તો ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અર્શદીપ સિંહને જરૂરી આરામ આપવામાં આવી શકે છે અને તેને સ્થાને રવિ બિશ્નોઇને તક મળી શકે છે. 436 દિવસના વનવાસ બાદ ત્રીજી T20Iમાં આંતરરાષ્ટ્રીય પુનરાગમન કરનાર મોહમ્મદ શમીને પણ તક મળી શકે છે. સિરીઝમાં તેને લેવામાં આવ્યો ત્યારથી બધાની નજર તેની ફિટનેસ પર છે, પણ તેને હજી સુધી એક જ મેચમાં રમવાની તક મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે શમી મહત્વનો છે, તેથી તેને મુંબઇ ખાતેની મેચમાં રમવાની તક મળી શકે છે. આમ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ મેચમાં ત્રણ ફેરફાર થઇ શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન આમ હોઇ શકે છેઃ-
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રમણદીપ સિંહ, અક્ષર પટેલ, રિંકુ સિંહ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તીઆપણે કન્સ્યુશન સબ એટલે શું એ પણ જાણી લઇએ. જો કોઇ ખેલાડીને મેચ દરમિયાન માથા અથવા ગરદન પર ઇજા થાય તો મેચ રેફરીની સંમતિથી ટીમ એ ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.