ઑસ્ટ્રેલિયા ફેવરિટ, મેઘરાજા ડ્રૉ કરાવી શકે અને ચમત્કાર ભારતને જિતાડી શકે
2021માં ગૅબામાં ભારત આવી જ સ્થિતિમાં જીતેલુંઃ બુમરાહની 200 વિકેટ ભારતીયોમાં ફાસ્ટેસ્ટ, 19.56ની ઍવરેજ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ત્રણ ટેસ્ટ બાદ ભારત અને ઑસ્ટ્રેલિયા 1-1ની બરાબરીમાં હતા, પણ ચોથી ટેસ્ટ-મૅચ (સવારે 5.00 વાગ્યાથી) સિરીઝને નવું સમીકરણ આપી શકે. રવિવારના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાના 105 રનની સરસાઈ સહિત કુલ 333 રન હતા અને એનો બીજા દાવનો સ્કોર 228/9 હતો. આ મૅચમાં ત્રણમાંથી કોઈ પણ એક પરિણામ સંભવ છે. જસપ્રીત બુમરાહ માટે રવિવારનો દિવસ વિક્રમજનક રહ્યો હતો. તેણે માત્ર 19.56ની સુંદર સરેરાશે કુલ 200 ટેસ્ટ-વિકેટની સિદ્ધિ મેળવી છે. તે સૌથી ઝડપે 200 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય પેસ બોલર તો બન્યો જ છે, તેની 19.56ની ઍવરેજ 200 કે વધુ ટેસ્ટ વિકેટ લઈ ચૂકેલા વિશ્વભરના બોલર્સમાં સર્વશ્રેષ્ઠ છે.
માની લઈએ કે ભારતને 350 રન જેટલો લક્ષ્યાંક મળશે જે મેલબર્ન જેવા મેદાન પર ચોથી ઇનિંગ્સમાં હાંસલ કરવો કઠિન કહેવાય. બીજું, આ મૅચમાં વરસાદના વિઘ્નો આવી ચૂક્યા હોવાથી સોમવારના છેલ્લા દિવસે મેઘરાજા મૅચને ડ્રૉ કરાવી શકે. ત્રીજું, ભારતનો ટૉપ બૅટિંગ-ઑર્ડર આ શ્રેણીમાં સારો નથી રહ્યો એ જોતાં ભારતને નીતીશ રેડ્ડીના પ્રથમ દાવના 114 રન જેવો કોઈ ચમત્કારિક બૅટિંગ પર્ફોર્મન્સ સાથે સિરીઝમાં 2-1થી સરસાઈ અપાવી શકે. રિષભ પંત તેમ જ બીજા સિનિયર બૅટર્સે આ કટોકટીના સમયે ફરી ફૉર્મમાં આવવું જ પડશે. બૅટિંગ માટે પિચ સારી છે, પરંતુ બહારના બૉલને છેડવા જતાં કૅચ આપી દેવાની ભૂલ ભારતીય બૅટર્સને હવે જરાય નહીં પરવડે. 2021માં બ્રિસ્બેનના ગૅબામાં અજિંક્ય રહાણેના સુકાનમાં ભારતને જીતવા 328 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને શુભમન ગિલના 91 રન તેમ જ ખાસ કરીને 181 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહેલા રિષભ પંતના અણનમ 89 રન અને વૉશિંગ્ટન સુંદરના બાવીસ રનની મદદથી ભારતે છેલ્લી ક્ષણોમાં સાત વિકેટના ભોગે 329 રન બનાવીને યાદગાર વિજય હાંસલ કર્યો હતો.
આ પણ વાંચો: IND VS AUS: ઑસ્ટ્રેલિયન પૂંછડિયા બેટરે ભારતીય બોલરની કસોટી કરી, ચોથા દિવસની રમત બની રસપ્રદ
વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર અને વર્તમાન સિરીઝમાં સૌથી વધુ 29 વિકેટ લઈ ચૂકેલો જસપ્રીત બુમરાહ (24-7-56-4) ફરી એકવાર કાંગારૂઓને ભારે પડ્યો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયાના વનડાઉન બૅટર માર્નસ લાબુશેન (70 રન, 139 બૉલ, ત્રણ ફોર) તેમ જ પૂંછડિયા બૅટર્સ ભારતને ભારે પડ્યા હતા. ઘણી વાર ભારતને હરીફ ટીમના ટૉપ-ઑર્ડરના મિડલ-ઑર્ડરના નહીં, પણ ટેઇલ-એન્ડર્સ નડી જતા હોય છે અને મેલબર્નમાં એનું પુનરાવર્તન થયું.
કૅપ્ટન પૅટ કમિન્સ (41 રન, 90 બૉલ, ચાર ફોર) તેમ જ નૅથન લાયન (41 નૉટઆઉટ, 54 બૉલ, પાંચ ફોર) અને સ્કૉટ બૉલેન્ડ (10 નૉટઆઉટ, 65 બૉલ, એક ફો)એ ભારતીય બોલર્સને ખૂબ હંફાવ્યા હતા. 91 રનમાં ઑસ્ટ્રેલિયાની છ વિકેટ પડી ચૂકી હતી અને 156 રનના સ્કોર પર આઠમી વિકેટ પડી હતી, પણ ત્યાર બાદ આ નીચલા ક્રમના બૅટર્સે ટીમનો સ્કોર 228/9 સુધી પહોંચાડી દીધો હતો.
ટૂંકમાં, ઑસ્ટ્રેલિયાના 8, 10 અને 11મા નંબરના બૅટર્સ કુલ મળીને 35 ઓવર રમી ગયા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલથી ત્રણ કૅચ છૂટ્યા હતા જે ભારતની સંભવિત હાર માટે જવાબદારી બની શકે. જોકે પૂંછડિયાઓની આ 35 ઓવરની બૅટિંગ પણ ભારતને કારણરૂપ બની શકે.
આ પણ વાંચો: IND vs AUS 4th Test: મેચ રોમાંચક સ્થિતિમાં, બુમરાહે મચાવ્યો તરખાટ, જાણો આજે શું શું થયું
બુમરાહ ટેસ્ટ-ક્રિકેટમાં 200 વિકેટ લેનાર ભારતનો ફાસ્ટેસ્ટ પેસ બોલર બન્યો છે. તેણે 44મી ટેસ્ટમાં 200 વિકેટની સિદ્ધિ મેળવી છે. કપિલ દેવે 50મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી અને રવિવાર પહેલાં ભારતીય રેકૉર્ડ તેમના (કપિલના) નામે હતો. રવિવારે ટ્રેવિસ હેડ (1 રન) બુમરાહનો 200મો શિકાર બન્યો હતો. રવીન્દ્ર જાડેજાએ પણ 44મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી. જોકે ભારતના તમામ બોલર્સમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ટેસ્ટમાં) 200 વિકેટ લેનારાઓમાં રવિચન્દ્રન અશ્વિન મોખરે છે. તેણે ફક્ત 37મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.
બુમરાહની 19.56ની બોલિંગ-સરેરાશ 200 કે વધુ વિકેટ લઈ ચૂકેલા વિશ્વભરના બોલર્સમાં બેસ્ટ છે. માલ્કમ માર્શલે 20.94ની સરેરાશે 376 વિકેટ તથા જોએલ ગાર્નરે 20.00ની ઍવરેજે 259 વિકેટ લીધી હતી. ગ્લેન મૅકગ્રા (21.64) અને જેમ્સ ઍન્ડરસન (26.45) પણ બુમરાહથી પાછળ છે.
બુમરાહે રવિવારે બીજા દાવમાં પણ ઑસ્ટ્રેલિયાની ચાર વિકેટ લીધી હતી. તેને પાંચ વિકેટની (ફાઇવ-ફૉરની) વધુ એક સિદ્ધિ મેળવવાનો સુવર્ણ મોકો હતો, પરંતુ સ્લિપમાં જ્યારે કેએલ રાહુલે મહા મહેનતે નૅથન લાયનનો કૅચ પકડ્યો ત્યારે બીજી જ ક્ષણે જાણ થઈ હતી કે બુમરાહનો એ નો-બૉલ હતો. અધૂરામાં પૂરું, છેલ્લા બૉલમાં લાયને ફોર ફટકારી હતી.
બુમરાહ પરફેક્ટ લાઇન ઍન્ડ લેન્ગ્થમાં બૉલ ફેંકતો હતો. તેના વિચિત્ર બાઉન્સમાં બૅટર્સ વિકેટ ગુમાવી બેસતા અથવા આઉટ થતાં બચી જતા હતા. તેના બૉલની લેટ મૂવમેન્ટથી પણ બૅટર્સ ત્રસ્ત હતા. જોકે છેલ્લા સત્રમાં ભારતીય ટીમે ખરાબ ફીલ્ડિંગને લીધે બાજી હરીફોના હાથમાં જવા દીધી હતી. સવારે બુમરાહે પહેલાં તો ટીનેજ ઓપનર સૅમ કૉન્સ્ટૅસ (8 રન)નું સ્ટમ્પ ઉડાડ્યું હતું. ત્યાર બાદ તેણે ટ્રેવિસ હેડ (1), મિચલ માર્શ (0) અને ઍલેક્સ કૅરી (2)ને પણ આઉટ કર્યા હતા.
બુમરાહને આ સિરીઝમાં પહેલી વાર સામા છેડેથી પેસ બોલર્સનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. આકાશ દીપને 53 રનમાં વિકેટ નહોતી મળી, પણ તેની બોલિંગમાં છૂટેલા કૅચને લીધે તેને નુકસાન જરૂર થયું હતું. મોહમ્મદ સિરાજે 66 રનમાં ત્રણ અને રવીન્દ્ર જાડેજાએ 33 રનમાં એક વિકેટ લીધી હતી. નીતીશ કુમાર રેડ્ડીને ફક્ત એક અને ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદરને માત્ર ચાર ઓવર બોલિંગ મળી હતી જેમાં તેણે સાત રન આપ્યા હતા.