
કવાલાલમ્પુર: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે મહિલાઓના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ધમાકેદાર વિજય સાથે શરૂઆત કરી છે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 44 રનમાં ઑલઆઉટ કર્યા પછી એક વિકેટના ભોગે 47 રન બનાવીને જીત હાંસલ કરી હતી.
2023માં મહિલાઓનો સૌપ્રથમ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો જેમાં ભારતે શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ઐતિહાસિક ટ્રોફી મેળવી હતી.
રવિવારની મૅચમાં ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. 26 રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. 18 રનમાં બીજી પાંચ વિકેટ પડી અને 13.2 ઓવરમાં આખી કૅરિબિયન ટીમ 44 રનમાં પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી.
લેફ્ટ-આર્મ સ્પિનર પારુનિકા સિસોદિયાએ માત્ર સાત રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બે-બે વિકેટ પેસ બોલર વી. જે. જોશીથા અને સ્પિનર આયુષી શુક્લાએ અનુક્રમે પાંચ અને છ રનના ખર્ચે મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝની ત્રણ બૅટર રનઆઉટ થઈ હતી.
ભારતે 45 રનનો નાનો લક્ષ્યાંક મેળવવા જતાં ઓપનર ગોન્ગાડી ત્રિશાની વિકેટ ગુમાવી હતી, પરંતુ વિકેટકીપર જી. કમલિની (ત્રણ ફોર સાથે 16 અણનમ) અને સનિકા ચળકે (ત્રણ ફોર સાથે 18 અણનમ)ની જોડીએ વધુ કોઈ નુકસાન નહોતું થવા દીધું અને 43 રનની અતૂટ ભાગીદારી સાથે ભારતની નૌકા પાર કરી આપી હતી.
પાંચ રનના ખર્ચે બે વિકેટ લેનાર વી. જે. જોશીથાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેણે વેસ્ટ ઇન્ડિઝને એની ચોથી ઓવરમાં ઉપરાઉપરી બે ઝટકા આપ્યા હતા. જોશીથાએ બે બૉલમાં વેસ્ટ ઇન્ડિઝની ભારતીય મૂળની કેપ્ટન સમરા રામનાથ અને નાઈયાની કમ્બરબૅચને આઉટ કરી હતી.
આ પણ વાંચો…IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચમાં પિચ અંગે ક્યુરેટરે ખુલાસો કર્યો
રવિવારે ભારતના વિજય પહેલાં શ્રીલંકાએ યજમાન મલયેશિયાને 23 રનમાં આઉટ કરીને 139 રનથી હરાવ્યું હતું. મંગળવારે ભારતની બીજી મૅચ (બપોરે 12.00 વાગ્યાથી) મલયેશિયા સામે રમાવાની છે.
ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા એક-એક મૅચ જીતી ચૂક્યા છે. પાકિસ્તાન સહિત અન્ય કેટલાક દેશોની મૅચો વરસાદને લીધે ધોવાઈ ગઈ છે.