સ્પોર્ટસ

પહેલા બે કલાકમાં હિસાબ બરાબરઃ ભારતે બે વિકેટના ભોગે 98 રન બનાવ્યા

યશસ્વી 62 રને નૉટઆઉટ, કરુણ નાયર વનડાઉનમાં 31 રન કરીને આઉટ

એજબૅસ્ટનઃ ભારતે આજે અહીં વાદળિયા હવામાન વચ્ચે ઇંગ્લૅન્ડ (ENGLAND) સામેની બીજી ટેસ્ટમાં સાવચેતીભરી શરૂઆત કર્યા બાદ આક્રમક બૅટિંગ કરી હતી, પરંતુ એમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા બે કલાકની રમત બાદ લંચ સમયે ભારતનો પ્રથમ દાવનો સ્કોર બે વિકેટે 98 રન હતો.

ઓપનર યશસ્વી જયસ્વાલ (YASHASVI JAISWAL) 62 રને રમી રહ્યો હતો. તેણે એક છેડો સાચવી રાખીને આ 62 રન 69 બૉલમાં 11 ફોરની મદદથી કર્યા હતા. કે. એલ. રાહુલ માત્ર બે રન કરીને આઉટ થઈ ગયો હતો.

આપણ વાંચો: આકાશ દીપ, નીતીશ, વૉશિંગ્ટન બીજી ટેસ્ટની ટીમમાં…તો પછી કોની બાદબાકી થઈ?

રાહુલ સાથે યશસ્વીની માત્ર 15 રનની ભાગીદારી થઈ શકી હતી, પણ પછીથી વનડાઉનમાં મોકલવામાં આવેલા કરુણ નાયર (KARUN NAIR) સાથે યશસ્વીએ બીજી વિકેટ માટે 80 રનની શાનદાર ભાગીદારી કરી હતી.

વધુ પડતું સાવચેત રહેવામાં કે. એલ. રાહુલે પોતાના માત્ર બે રનના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. પેસ બોલર ક્રિસ વૉક્સના ઑફ સ્ટમ્પની બહારનો બૉલ અચાનક અંદર આવી જતાં રાહુલ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પ્રથમ દાવમાં રાહુલે 42 રન અને પછી 137 રન કર્યા હતા. એ બન્ને દાવમાં તે ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સના બૉલમાં આઉટ થયો હતો.

રાહુલની વિકેટ પડ્યા બાદ કરુણ નાયર વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો અને તેણે ફટકાબાજી શરૂ કરી દીધી હતી. પહેલા દાવમાં તેને છઠ્ઠા ક્રમે મોકલવામાં આવ્યો હતો.

આપણ વાંચો: બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા વિશે અપડેટ આવી ગયું…

કરુણ નાયર 73 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને તેણે 50 બૉલમાં પાંચ ફોરની મદદથી 31 રન કર્યા હતા અને લંચ-બ્રેકની થોડી વાર પહેલાં પેસ બોલર બ્રાયડન કાર્સના બૉલમાં બીજી સ્લિપમાં હૅરી બ્રૂકના હાથમાં કૅચઆઉટ થયો હતો. ભોજનના સમયે યશસ્વી સાથે કૅપ્ટન શુભમન ગિલ એક રને રમી રહ્યો હતો.

ભારતે પ્લેઇંગ-ઇલેવનમાંથી જસપ્રીત બુમરાહને આરામ આપ્યો હતો તેમ જ શાર્દુલ ઠાકુર અને સાઇ સુદર્શનને ટીમની બહાર રાખ્યા હતા. બુમરાહના સ્થાને આકાશ દીપને ઇલેવનમાં સમાવાયો છે.

સાઇ સુદર્શન પ્રથમ ટેસ્ટ (જે તેની ડેબ્યૂ ટેસ્ટ હતી)માં સારું નહોતો રમ્યો. પહેલા દાવમાં તે શૂન્યમાં આઉટ થયા બાદ બીજા દાવમાં 30 રનમાં આઉટ થઈ ગયો હતો. તેને આજે પડતો મૂકીને નીતીશ કુમાર રેડ્ડીને રમવાનો મોકો અપાયો છે.

શાર્દુલ ઠાકુર પણ પહેલી ટેસ્ટમાં અપેક્ષા કરતાં ખૂબ નબળું રમ્યો હતો. તેના સ્થાને સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમવાની તક આપવામાં આવી છે.

આપણ વાંચો: ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે કઈ કચાશ દૂર કરવા ખૂબ પ્રૅક્ટિસ કરી?

ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન મંગળવારે જ જાહેર કરી દીધી હતી અને એણે પ્રથમ ટેસ્ટની જ ટીમ જાળવી રાખી છે.
બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે આ મૅચમાં નથી રમાડવામાં આવ્યો. તેણે સિરીઝની પહેલાં જ કહ્યું હતું કે તે સિરીઝની પાંચેય ટેસ્ટ નહીં રમે.

કુલદીપ યાદવનું નામ આજની મૅચ માટે ખૂબ ચર્ચામાં હતું, પણ બૅટિંગ હરોળને વધુ મજબૂત કરવાના હેતુથી જ વૉશિંગ્ટનને સિલેક્ટ કરવામાં આવ્યો છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વેઇન લાર્કિન્સ તાજેતરમાં અવસાન પામ્યા હતા અને તેમને અંજલિ આપવા બ્રિટિશ ક્રિકેટરો તેમ જ ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button