સ્પોર્ટસ

ટેસ્ટમાં ભારતની 178 જીત અને 178 હાર: અશ્વિને મુરલીધરનનો વિશ્વવિક્રમ તોડ્યો

અશ્વિન ડેબ્યૂ તેમ જ 100મી ટેસ્ટના દાવમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર: ભારત ટેસ્ટના તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપના રૅન્કિંગમાં મોખરે: ડબ્લ્યુટીસી ઉપરાંત વન-ડે અને ટી-20માં પણ ભારત મોખરે

ધરમશાલા: 1932માં ભારતે ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના 89 વર્ષમાં ભારતીય ક્રિકેટરો કુલ મળીને 579 ટેસ્ટ રમ્યા છે. શનિવાર પહેલાં ભારતના નામે 177 જીત અને 178 હાર હતી. જોકે ઇંગ્લૅન્ડ સામેની ધરમશાલાની ટેસ્ટની જીત સાથે વિજયની સંખ્યા પણ 178 થઈ ગઈ છે. યોગાનુયોગ, ભારતની ડ્રૉ ટેસ્ટની સંખ્યા 222ની છે.

ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને શનિવારે પોતાની 100મી ટેસ્ટને અવિસ્મરણીય બનાવી દીધી હતી. અનિલ કુંબલે પછીના ભારતના આ સ્પિન-સમ્રાટે ધરમશાલામાં ભારતના 64 રનના માર્જિનવાળા વિજય સાથે પૂરી થયેલી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં અશ્વિને કુલ નવ વિકેટ લીધી હતી. 100મી ટેસ્ટમાં હાઈએસ્ટ નવ વિકેટ લેવાના શ્રીલંકન ઑફ-સ્પિનર મુથૈયા મુરલીધરનના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી. અશ્વિને 128 રનમાં નવ વિકેટ લીધી હતી. 2006માં મુરલીધરને બંગલાદેશ સામેની ટેસ્ટ કે જે તેની 100મી ટેસ્ટ હતી એમાં 141 રનમાં નવ વિકેટ લીધી હતી. અશ્વિન એ રીતે મુરલીની બરાબરીમાં છે, પરંતુ 100મી ટેસ્ટના બન્ને દાવમાં ચાર કે વધુ વિકેટ લેનાર અશ્વિન વિશ્વનો એકમાત્ર બોલર છે. મુરલીધરને 2006માં પોતાની 100મી ટેસ્ટમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ એમ કુલ મળીને નવ વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને ધરમશાલાની ટેસ્ટમાં પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવમાં પાંચ વિકેટ લીધી.

કુંબલે અને કપિલે પોતાની 100મી ટેસ્ટમાં સાત-સાત વિકેટ લીધી હતી. એ રીતે અશ્વિને નવ વિકેટ સાથે તેમને ઓળંગી લીધા છે. અશ્વિને નવ વિકેટ લઈને એક સાથે બન્ને લેજન્ડનો ભારતીય રેકૉર્ડ તોડી નાખ્યો છે. અશ્વિ ટેસ્ટની શતાબ્દિમાં એક દાવમાં પાંચ વિકેટ લેનાર કુંબલે પછીનો બીજો ભારતીય બન્યો છે.

કુલ 36મી વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઈને અશ્વિને કુંબલેનો ભારતીય વિક્રમ પણ તોડ્યો છે.
ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી સિરીઝમાં હાઇએસ્ટ 26 વિકેટ અશ્વિનની હતી. તે વિશ્વનો એકમાત્ર બોલર છે જેણે ડેબ્યૂ ટેસ્ટના તેમ જ 100મી ટેસ્ટના એક દાવમાં પાંચ વિકેટ લીધી છે.

ટેસ્ટ-કરીઅરમાં સૌથી વધુ વખત દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવનાર બોલરોમાં અશ્વિન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તે 36 વાર દાવમાં પાંચ કે વધુ વિકેટ લેનાર સર રિચર્ડ હેડલી સાથે જોડાયો છે. મુરલીધરને સૌથી વધુ 67 વાર અને શેન વૉર્ને 37 વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

ભારતીય ટીમ ટેસ્ટના આઇસીસી રૅન્કિંગમાં 122 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે ટેસ્ટના વર્લ્ડ કપમાં એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટેબલમાં પણ ભારત હાલમાં નંબર-વન છે. ભારત વન-ડે અને ટી-20માં પણ નંબર-વન છે.

પ્રથમ ટેસ્ટ હાર્યા પછી સિરીઝ 4-1થી જીતનારા દેશો

ઑસ્ટ્રેલિયા: 1897માં ઇંગ્લૅન્ડ સામે (ઘરઆંગણે)
ઑસ્ટ્રેલિયા: 1901માં ઇંગ્લૅન્ડ સામે (ઘરઆંગણે)
ઇંગ્લૅન્ડ, 1911માં ઑસ્ટ્રેલિયા સામે (ઑસ્ટ્રેલિયામાં)
ભારત: 2024માં ઇંગ્લૅન્ડ સામે (ઘરઆંગણે)

ઇંગ્લૅન્ડ સામે ભારતે એક દાવથી મેળવેલા ટેસ્ટ-વિજય

(1) 2016માં, ચેન્નઈમાં, એક દાવ અને 75 રનથી
(2) 2024માં, ધરમશાલામાં, એક દાવ અને 64 રનથી
(3) 2002માં, હેડિંગ્લીમાં, એક દાવ અને 46 રનથી
(4) 2016માં, મુંબઈમાં, એક દાવ અને 36 રનથી
(5) 2021માં, અમદાવાદમાં, એક દાવ અને પચીસ રનથી
(6) 1993માં, ચેન્નઈમાં, એક દાવ અને બાવીસ રનથી
(7) 1993માં, મુંબઈમાં, એક દાવ અને 15 રનથી
(8) 1952માં, ચેન્નઈમાં, એક દાવ અને આઠ રનથી (ભારતની સૌપ્રથમ ટેસ્ટ-જીત)

100મી ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટ

6/161: શેન વૉર્ન, 2002માં સાઉથ આફ્રિકા સામે
5/89: કુંબલે, 2005માં શ્રીલંકા સામે
6/54: મુરલીધરન, 2006માં બાંગ્લાદેશ સામે
5/77: અશ્વિન, 2024માં ઇંગ્લૅન્ડ સામે

ટેસ્ટમાં ભારતનો જીત-હારનો રેશિયો

1932થી 1951: 0 (23 ટેસ્ટ)
1952થી 2000: 0.623 (313 ટેસ્ટ)
2001થી 2014: 1.340 (150 ટેસ્ટ)
2015થી હાલ સુધી: 2.545 (93 ટેસ્ટ)
(ટેસ્ટમાં ભારતનો અત્યાર સુધીનો આ વિન-લૉસ રેશિયો તમામ દેશોમાં સર્વશ્રેષ્ઠ છે. આ ટેબલમાં ઑસ્ટ્રેલિયા 1.888 સાથે બીજા નંબરે છે)

ટેસ્ટમાં ભારતનો જીત-હારનો રેશિયો (ચોક્કસ સમયકાળ મુજબ)

પહેલી 24 ટેસ્ટ પછી: 0 (1952)
100 ટેસ્ટ પછી: 0.25 (1967)
200 ટેસ્ટ પછી: 0.48 (1982)
300 ટેસ્ટ પછી: 0.57 (1996)
400 ટેસ્ટ પછી: 0.68 (2006)
500 ટેસ્ટ પછી: 0.82 (2016)
579 ટેસ્ટ પછી: 1 (2024)

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો દેખાવ

મૅચ: 579
જીત: 178
હાર: 178
ડ્રૉ: 222
ટાઇ: 1
(ટેસ્ટના ઇતિહાસમાં ભારતે પહેલી જ વાર બરાબર 1.00નો વિન-લૉસ રેશિયો હાંસલ કર્યો છે.)

ભારતમાં વિદેશી બૅટરના સૌથી વધુ ટેસ્ટ રન

1359: ક્લાઇવ લૉઇડ
1272: જો રૂટ
1235: ઍલસ્ટર કૂક
1042: ગોર્ડન ગ્રિનિજ
1027: મૅથ્યૂ હેડન

ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ 50-પ્લસ સ્કોર

21: જો રૂટ
20: રિકી પૉન્ટિંગ
19: ક્લાઇવ લૉઇડ
19: જાવેદ મિયાંદાદ
17: શિવનારાયણ ચંદરપૉલ

100મી ટેસ્ટમાં શ્રેષ્ઠ બોલિંગ પર્ફોર્મન્સ

9/128: અશ્વિન, 2024માં ઇંગ્લૅન્ડ સામે
9/141: મુરલીધરન, 2006માં બાંગ્લાદેશ સામે
8/231: શેન વૉર્ન, 2002માં સાઉથ આફ્રિકા સામે
7/151: કપિલ દેવ, 1989માં પાકિસ્તાન સામે
7/176: અનિલ કુંબલે, 2005માં શ્રીલંકા સામે

એક જ ટીમ સામે સૌથી વધુ વિકેટ (ભારતીયો)

114: અશ્વિન, ઑસ્ટ્રેલિયા સામે
114: અશ્વિન, ઇંગ્લૅન્ડ સામે
111: કુંબલે, ઑસ્ટ્રેલિયા સામે
99: કપિલ દેવ, પાકિસ્તાન સામે
95: બી. ચંદ્રશેખર, ઇંગ્લૅન્ડ સામે
95: હરભજન સિંહ, ઑસ્ટ્રેલિયા સામે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button