
મસ્કત: મહિલા હૉકીમાં છઠ્ઠા નંબરના ભારતનો રવિવારે અહીં એફઆઇએચ હૉકી-ફાઇવ વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન નેધરલૅન્ડ્સ સામે 2-7થી પરાજય થયો હતો. નેધરલૅન્ડ્સ વર્લ્ડ ચૅમ્પિયન બન્યું અને ભારતીય ટીમે રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારત વતી જે બે ગોલ થયા એ જ્યોતિ છેત્રીએ 20મી મિનિટમાં અને રુતુજા પિસલે 23મી મિનિટમાં કર્યો હતો.
જોકે નેધરલૅન્ડ્સની ટીમે મૅચની બીજી જ મિનિટથી ગોલ કરવાની શરૂઆત કરી હતી અને 27મી મિનિટ સુધીમાં એના સાત ગોલ થઈ ગયા હતા.
સેકન્ડ-હાફમાં પણ નેધરલૅન્ડ્સે પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને ભારતીય ટીમના વધુ ગોલ નહોતા થઈ શક્યા.
મૅચની આખરી મિનિટમાં વર્લ્ડ નંબર-વન ટીમને પેનલ્ટી સ્ટ્રૉક મળ્યો હતો જેમાં ગોલકીપર રજનીએ ગોલ નહોતો થવા દીધો. જોકે ત્યારે બહુ મોડું થઈ ગયું હતું અને ભારતે પરાજય સ્વીકારી લેવો પડ્યો હતો.