સ્પોર્ટસ

પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચી ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ

નવી દિલ્હીઃ ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ રવિવારે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યા બાદ પાટનગર દિલ્હી પહોંચી છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થશે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમે નવો ઇતિહાસ સર્જ્યો એ બદલ પીએમ તેમનું બહુમાન કરશે અને તેમની ભરપૂર પ્રશંસા કરશે.

મહિલા ટીમ (Indian women’s team)નું પાટનગરમાં ઢોલ-નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી આવતાં પહેલાં ટીમની બસમાં જ તેઓ હેડ-કોચ અમોલ મુઝુમદાર તથા અન્યો સાથે વિશ્વ વિજેતાપદનો આનંદ માણવામાં મશગૂલ હતી.

ભારતીય ટીમે ટીમના વર્લ્ડ ચૅમ્પિયનપદ બદલ તૈયાર કરવામાં આવેલી કેક કટ કરી હતી. ભારતીય ટીમે મહિલા વર્લ્ડ કપના બાવન વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ટાઇટલ જીતી લીધું છે. રવિવારે નવી મુંબઈની ફાઇનલમાં તેમણે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરોનું ઐતિહાસિક વિશ્વ વિજેતાપદ દેશમાં કેવી સકારાત્મક અસર કરી શકે, કેવા ફેરફારો લાવી શકે?

વડા પ્રધાન મોદી (PM MODI) માટે આ ચૅમ્પિયન ટીમ ખાસ ભેટ પણ લાવી છે એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર હાંસલ કરનાર ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું હતું કે ` અમારી આખી ટીમ એક એવી ભેટસોગાદ લાવી છે જે વડા પ્રધાન મોદીને આપવામાં આવશે.’ આ ભેટ તમામ ખેલાડીઓના ઑટોગ્રાફવાળી જર્સી હોઈ શકે અથવા બૅટ પણ હોઈ શકે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button