ભારતીય મહિલા ટીમે બંગલાદેશને ૪૪ રનથી હરાવી
સિલ્હટ (બાંગલાદેશ): ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં બાંગલાદેશને સિરીઝની પ્રથમ ટી-૨૦માં ૪૪ રનથી હરાવી દીધી હતી.
લો-સ્કોરિંગ મૅચમાં ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં યાસ્તિકાના ૩૬, શેફાલીના ૩૧ અને કૅપ્ટન હરમનપ્રીતના ૩૦ રન સામેલ હતા. શેફાલીની વિકેટ પડ્યા પછી ભારતીય ટીમનું રનમશીન ધીમું પડી ગયું હતું અને દોઢસો રન પણ નહોતા બન્યા.
જોકે પછીથી ભારતીય બોલર્સે તરખાટ મચાવ્યો હતો અને યજમાન ટીમને કાબૂમાં રાખી હતી.
બાંગલાદેશની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૦૧ રન બનાવી શકી હતી. ફાસ્ટ બોલર રેણુકા સિંહે ત્રણ અને બીજી પેસ બોલર પૂજા વસ્ત્રાકરે બે વિકેટ લીધી હતી.
એક-એક વિકેટ શ્રેયંકા પાટીલ, દીપ્તિ શર્મા અને રાધા યાદવે લીધી હતી.
બાંગલાદેશની કૅપ્ટન નિગાર સુલતાના (૪૮ બૉલમાં ૫૧ રન)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી. તેને વસ્ત્રાકરે ક્લીન બોલ્ડ કરી હતી.
રેણુકા સિંહને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પાંચ મૅચની સિરીઝમાં બીજી ટી-૨૦ આવતી કાલે રમાશે.