
નવી મુંબઈ: ગુરુવારે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને વરસાદ તો જરાય ન નડ્યો, પરંતુ અદભુત અને અવિસ્મરણીય વિજયને પગલે વિમેન ઈન બ્લૂ પર અભિનંદનની પુષ્કળ વર્ષા જરૂર થઈ હતી. સચિન તેંડુલકર, એબી ડિવિલિયર્સ જેવા લેજન્ડ્સ તેમ જ રિષભ પંત સહિત ઘણા ક્રિકેટરોએ અને આઇસીસીના ચેરમેન જય શાહ તથા બીસીસીઆઈએ ભારતીય ટીમને સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવ્યા હતા. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમે વિક્રમજનક ચેઝ હાંસલ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાઓની ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયાની આઠ વર્ષ જૂની વિજયકૂચ પણ અટકાવી દીધી હતી.

છેલ્લી દસ ઓવરમાં જેમિમાનો ‘વન વુમન શૉ’
મહિલાઓની વન-ડેમાં ઑસ્ટ્રેલિયા વર્લ્ડ નંબર વન અને ડીફેન્ડિંગ ચેમ્પિયન છે. જોકે ગુરુવારે રાત્રે ભારતે એને સિંહાસન પરથી ઉતારી દીધું હતું. પ્લેયર ઑફ ધ મૅચ મુંબઈની જેમિમા રૉડ્રિગ્સ (127 અણનમ, 134 બૉલ, 14 ફોર)ને કેપ્ટન હરમનપ્રીત (89 રન, 88 બૉલ, બે સિક્સર, દસ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 167 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 35મી બાદ હરમનપ્રીતે વિકેટ ગુમાવી ત્યાર પછી જેમિમાએ અન્ય સાથી ખેલાડીઓ જોડે નાની ભાગીદારીઓ કરીને ભારતને જિતાડ્યું હતું. સામાન્ય રીતે મેન્સ ક્રિકેટમાં ‘ વન મૅન શૉ’ જોવા મળતો હોય છે, પરંતુ આ મૅચમાં જેમિમાએ ‘ વન વુમન શૉ’નું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઓપનર ફૉબે લિચફીલ્ડની 119 રનની ઇનિંગ્સ પાણીમાં ગઈ હતી.
#AaliRe #CWC25 #AUSvIND pic.twitter.com/L1nhvMg34H
— Mumbai Indians (@mipaltan) October 30, 2025
ભારતના વિજયની રેકોર્ડ બુક
ગુરુવારે ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા બાદ 338 રન કર્યા હતા. ભારતે અશક્ય લાગતો 339 રનનો ટાર્ગેટ 48.3 ઓવરમાં (નવ બૉલ બાકી રાખીને) 5/341ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
આ મૅચમાં ઘણા વિક્રમો થયા અને અનેક સિદ્ધિઓ પણ મેળવવામાં આવી.
(1) ભારતે 339 રનનો લક્ષ્યાંક મેળવી લીધો. મહિલાઓની વન-ડેમાં સફળ ચેઝનો આ નવો વિશ્વવિક્રમ છે. ઑસ્ટ્રેલિયાના ભારત સામેના અગાઉના 331 રનના ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો છે.
(2) ઑસ્ટ્રેલિયા આઠ વર્ષ પહેલાં 2017ના વર્લ્ડ કપમાં ભારત સામે સેમિમાં હારેલું ત્યાર બાદ વિશ્વ કપમાં ક્યારેય ઑસ્ટ્રેલિયાનો પરાજય નહોતો થયો. તેઓ વર્લ્ડ કપની સતત 15 મૅચ જીત્યા હતા, પણ ભારતે તેમની એ લાંબી અને વિક્રમી વિજયફૂચ થંભાવી દીધી છે.
(3) ઑસ્ટ્રેલિયા (10/338) અને ભારત (5/341)ના રનનો સરવાળો 679 રન હતો. મહિલાઓના વર્લ્ડ કપની એક મૅચના કુલ રનની રેકોર્ડ બુકમાં આ નવો રેકોર્ડ છે. અગાઉનો વિક્રમ 678 રન (2017માં ઇંગ્લૅન્ડ વિ. સાઉથ આફ્રિકા)નો હતો.
(4) વન-ડેમાં ટાર્ગેટ ચેઝ કરવામાં ભારતીયોમાં અગાઉ સ્મૃતિ મંધાનાના 125 રન હાઈએસ્ટ હતા. હવે અણનમ 127 રનનો નવો વિક્રમ જેમિમાનાં નામે છે.
(5) મહિલા વન-ડે વર્લ્ડ કપના બાવન વર્ષના ઇતિહાસમાં પહેલી ફાઈનલ એવી હશે જેમાં ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડની ટીમ નહીં હોય.

ભારત- સાઉથ આફ્રિકા ફાઈનલ રવિવારે
રવિવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જ (બપોરે 3.00 વાગ્યાથી) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ રમાશે. જે દેશ જીતશે એ પહેલી વાર ચેમ્પિયન બન્યો કહેવાશે. એ સાથે મહિલાઓની વન-ડેને નવું ચેમ્પિયન મળશે.
આપણ વાંચો: હવે આજે ભારતની મેન્સ ટીમે ઑસ્ટ્રેલિયાની ખબર લેવાની છે
 
 
 
 


