સ્પોર્ટસ

ભારતીય મહિલાઓ હાઈ-સ્કોરિંગ મૅચના થ્રિલરમાં જીતી, સિરીઝની ટ્રોફી પર કર્યો કબજો

બેન્ગલૂરુ: ભારતની મહિલા ટીમે અહીં સાઉથ આફ્રિકા સામે બુધવારે સિરીઝની બીજી વન-ડેના હાઇ-સ્કોરિંગ રોમાંચક મુકાબલામાં ચાર રનના તફાવતથી વિક્રમજનક વિજય મેળવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમ 326 રનના લક્ષ્યાંક સામે 50 ઓવરમાં છ વિકેટે 321 રન બનાવી શકી હતી.

આખી મૅચમાં કુલ ચાર બૅટરે સેન્ચુરી ફટકારી હતી. ઓપનર સ્મૃતિ મંધાના (136 રન, 120 બૉલ, બે સિક્સર, અઢાર ફોર) તથા કૅપ્ટન હરમનપ્રીત કૌરે (103 અણનમ, 88 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની સેન્ચુરીના જવાબમાં મહેમાન ટીમની કૅપ્ટન-ઓપનર લૉરા વૉલ્વાર્ટે (135 અણનમ, 135 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) અને મૅરિઝેન કૅપ (114 રન, 94 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) પણ સદી ફટકારી હતી. એમ છતાં સાઉથ આફ્રિકાની ટીમ છેવટે દિલધડક મુકાબલો હારી ગઈ હતી.
ભારતીય મહિલા ટીમે વન-ડેના ઇતિહાસમાં પોતાનો સૌથી ઓછા માર્જિનવાળો (ચાર રનથી) વિજય મેળવ્યો હતો. આ પહેલાં ભારતનો પાંચ રનના તફાવતવાળો વિજય સર્વોત્તમ હતો જે તેમણે ન્યૂ ઝીલૅન્ડ સામે મેળવ્યો હતો.

આ પણ વાંચો:સૂર્યકુમારે ટી-20માં નંબર-વનની રૅન્ક વધુ મજબૂત કરી

વૉલ્વાર્ટ અને કૅપ વચ્ચે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી થઈ હતી. પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્માએ બે-બે વિકેટ અને અરુંધતી રેડ્ડી તથા સ્મૃતિ મંધાનાએ એક-એક વિકેટ લીધી હતી. 50મી ઓવર પૂજા વસ્ત્રાકરે કરી હતી જેમાં તેણે 11 રન ડિફેન્ડ કર્યા હતા. તેની એ ઓવરમાં માત્ર છ રન થયા હતા અને બે વિકેટ પણ પડી હતી.

બન્ને ટીમે કુલ મળીને 646 રન બનાવ્યા હતા અને ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેના વન-ડે ઇતિહાસમાં એક મૅચનો આ સર્વોચ્ચ સરવાળો છે.

એ પહેલાં, ભારતની મહિલા ટીમે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં ત્રણ વિકેટે વિક્રમજનક 325 રન ખડકી દીધા હતા. સ્મૃતિ મંધાના (136 રન, 120 બૉલ, બે સિક્સર, અઢાર ફોર)એ સતત બીજી મૅચમાં સેન્ચુરી ફટકારી હતી, જ્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌરે (103 અણનમ, 88 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) પણ કરીઅરની છઠ્ઠી વન-ડે સદી સાથે ચમકી ગઈ હતી. સ્ટાઇલિશ બૅટર સ્મૃતિ મંધાનાએ કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: India – South Africa 2nd WOMEN’S ODI: મંધાના અને હરમનપ્રીતની ધમાકેદાર સેન્ચુરી, ભારતીય ટીમનો દમદાર નવો વિક્રમ

મંધાના અને પ્લેયર ઑફ ધ મૅચ હરમનપ્રીત વચ્ચે ત્રીજી વિકેટ માટે 171 રનની ભાગીદારી થઈ હતી.
ભારતીય ટીમે પહેલી જ વાર ઘરઆંગણે વન-ડેમાં 300 રનનો આંકડો નોંધાવ્યો છે. આ પહેલાં હોમ-ગ્રાઉન્ડ પર મહિલાઓની ટીમ ઇન્ડિયાનો 298/2નો સ્કોર હાઇએસ્ટ હતો જે તેમણે 2004માં ધનબાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે નોંધાવ્યો હતો.

સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ શરૂઆતમાં તો તેનો એ નિર્ણય યોગ્ય લાગ્યો હતો, કારણકે મહેમાન ટીમની ફાસ્ટ બોલર્સ આયાબૉન્ગા ખાકા અને મસાબાતા ક્લાસને બેન્ગલૂરુની પિચ પર સારા બાઉન્સ અને મૂવમેન્ટ મળ્યા હતા.Smriti Mandhana

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button