વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર રાધા યાદવના પિતા કાંદિવલીમાં શાકભાજી વેચતા હતા, પુત્રીએ એકઝાટકે આઠ કરોડ રૂપિયા લાવી આપ્યા!

અન્ય કેટલીક ચૅમ્પિયનોના પિતા વિશે પણ જાણો…
મુંબઈઃ મુંબઈમાં રહેતી પચીસ વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ (Radha yadav)ના પિતા પ્રકાશ યાદવ એક સમયે કાંદિવલી (પશ્ચિમ)માં શાકભાજી અને દૂધનો ધંધો કરતા હતા અને એ પ્રવૃત્તિ વખતે પિતાએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તેમની પુત્રી રાધા ઇનામમાં એકઝાટકે આઠ કરોડ રૂપિયા જીતી લાવશે.
રવિવાર, બીજી નવેમ્બરે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને નવી વર્લ્ડ ચૅમ્પિયન (world champion) બનેલી ભારતની આ વિશ્વ વિજેતા ટીમમાં રાધા યાદવ સામેલ હતી. આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમને આઇસીસી તરફથી અંદાજે 40 કરોડ રૂપિયાનું સર્વોચ્ચ ઇનામ મળ્યું હતું અને બીસીસીઆઇએ આ વિજેતા ટીમ માટે 51 કરોડ રૂપિયાનું વિશેષ ઇનામ જાહેર કર્યું હતું.

કુલ મળીને ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમને 91 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળ્યા. ટીમની 16 ખેલાડીઓ વચ્ચે આ મસમોટી રકમ વહેંચાતાં દરેકના ભાગે આશરે 5.70 કરોડ રૂપિયા આવે. મહારાષ્ટ્ર સરકારે આ વિજેતા ટીમની મુંબઈની ત્રણેય પ્લેયરને (દરેકને) 2.25 કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે અને એમાં સ્મૃતિ મંધાના તથા જેમિમા રૉડ્રિગ્સ ઉપરાંત રાધા યાદવ પણ સામેલ છે. આ 2.25 કરોડ રૂપિયા ગણતરીમાં લેતાં રાધા યાદવ વર્લ્ડ કપમાંથી કુલ આશરે આઠ કરોડ રૂપિયા કમાઈ લાવી એમ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચૅમ્પિયન ટીમની પ્રત્યેક ખેલાડીને આઇસીસી અને બીસીસીઆઇ તરફથી આશરે 5.70 કરોડ રૂપિયા મળ્યા છે. ટૂંકમાં, દરેક ખેલાડી એક જ મહિનામાં કરોડપતિ બની ગઈ છે. નવી મુંબઈમાં બીજી નવેમ્બરની રાત્રે રાધા યાદવના પિતા પ્રકાશ યાદવ માથા પર ટ્રોફી લઈને નાચ્યા હતા.

રાધા યાદવના પિતા પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. થોડા વર્ષો પહેલાં તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા કાંદિવલી (વેસ્ટ)માં પોતાની હાઉસિંગ સોસાયટીની બહાર શાકભાજી તથા દૂધ વેચતા હતા. 2020માં રાધા યાદવ વડોદરામાં રહેતી હતી. તે ત્યારે ક્રિકેટની સઘન તાલીમ લઈ રહી હતી. રાધા ઑલરાઉન્ડર છે અને તે 2018માં પહેલી વાર ભારત વતી રમી હતી. તે ભારત વતી 100થી પણ વધુ મૅચ રમી ચૂકી છે અને કુલ 116 વિકેટ લીધી છે.
રાધાને 2023માં સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં દિલ્હી કૅપિટલ્સે 40 લાખ રૂપિયામાં મેળવી હતી. ખરેખર તો તેનું ભાગ્ય ત્યારથી જ ચમકી ગયું હતું. તેણે થોડા વર્ષો પહેલાં જ પિતાને શાકભાજીનો ધંધો છોડી દેવા કહ્યું હતું. પછીથી તેના પિતાએ પુત્રીના નામે કરિયાણાની દુકાન ખોલી હતી અને હવે તો તેની પુત્રીએ કરોડો રૂપિયા કમાઈને માતા-પિતા તથા બે ભાઈ સહિતના પરિવારને ન્યાલ કરી દીધો છે. રાધાએ ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં ડૅન્જરસ બૅટર એલીસ પેરી (77 રન)ને ક્લીન બોલ્ડ કરી હતી. ઑસ્ટ્રેલિયાના 338 રનના જવાબમાં ભારતે 48.3 ઓવરમાં 5/341ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
અન્ય કેટલીક વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીના પિતા વિશે જાણો…
હરમનપ્રીત કૌરઃ કૅપ્ટન હરમનપ્રીતના પિતા હરમન્દરસિંહ પંજાબમાં ભુલ્લરની અદાલતમાં ક્લર્ક હતા. તેઓ પોતે ક્રિકેટર બનવા માગતા હતા, પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરવા લાગ્યા હતા અને દીકરીને ક્રિકેટર બનાવી. ક્રિકેટમાં સફળ થવાની પિતાની અધૂરી ઇચ્છા દીકરી હરમનપ્રીતે પૂરી કરી છે.
અમનજોત કૌરઃ ઑલરાઉન્ડર અમનજોતના પિતા ભુપેન્દ્ર સિંહ સુથાર છે. પુત્રી માટે સૌથી પહેલું બૅટ તેમણે બનાવ્યું હતું. તેઓ પંજાબમાં મોહાલીથી ચંડીગઢ સુધી તેને ક્રિકેટની તાલીમ અપાવવા સ્કૂટર પર લઈ જતા હતા.
શેફાલી વર્માઃ સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 87 રન કરવા ઉપરાંત કટોકટીના સમયે બે વિકેટ લેનાર શેફાલી વર્મા હરિયાણાની છે અને તેના પિતા સંજીવ વર્મા ઝવેરી છે.
જેમિમા રૉડ્રિગ્સઃ ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં 134 બૉલમાં અણનમ અને મૅચ-વિનિંગ 127 રન કરનાર જેમિમાના પિતા ઇવાન રૉડ્રિગ્સ ક્રિકેટ કોચ છે.
દીપ્તિ શર્માઃ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માના પિતા કાનપુરમાં નાનો બિઝનેસ ચલાવે છે.
ઉમા ચેટ્રીઃ આસામની વિકેટકીપર ઉમા ચેટ્ટીને વર્લ્ડ કપમાં રિચા ઘોષના સ્થાને એક જ મૅચ રમવા મળી અને બાંગ્લાદેશ સામેની એ મૅચ વરસાદને કારણે પૂરી નહોતી રમાઈ. ઉમાના પિતા ખેડૂત છે.



