ભારતની મહિલાઓએ પાકિસ્તાનની ટીમને કચડી નાખી
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને સાત વિકેટના માર્જિનથી પરાસ્ત કરીને વિજયીઆરંભ કર્યો હતો.
પહેલાં તો ભારતે પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી અને પછી ત્રણ વિકેટના ભોગે 109 રન બનાવી લીધા હતા. ઓપનર્સ સ્મૃતિ મંધાના (45 રન, 31 બૉલ, નવ ફોર) અને શેફાલી વર્મા (40 રન, 29 બૉલ, એક સિક્સર, છ ફોર) વચ્ચેની 85 રનની ભાગીદારીએ ભારતની જીત સાવ આસાન બનાવી નાખી હતી.
સ્મૃતિ-શેફાલીને લેગ સ્પિનર સૈયદા અરૂબ શાહે આઉટ કરી હતી. 15 રનના અંતરમાં તેમની વિકેટો પડ્યા બાદ ભારતીય ટીમ વિજયથી માત્ર સાત રન દૂર હતી ત્યારે દયાલન હેમલતા (14 રન, 11 બૉલ, ત્રણ ફોર) આઉટ થઈ હતી. જોકે કૅપ્ટન હરમનપ્રીત કૌર (પાંચ રન) અને જેમાઇમા રૉડ્રિગ્સે (ત્રણ રન) પાકિસ્તાની ટીમને વધુ એકેય વિકેટ નહોતી આપી અને ભારતે 14.1 ઓવરમાં 109/3ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો.
એ પહેલાં, પાકિસ્તાનની કૅપ્ટન નિદા દરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો નિર્ણય ઊંધો સાબિત થયો અને ફાયદો ભારતીય ટીમને થયો હતો, કારણકે પાકિસ્તાનની ટીમ માત્ર 108 રનમાં આઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાનની એક પણ બૅટર પચીસ રનનો આંકડો પણ પાર નહોતી કરી શકી. વનડાઉન બૅટર સિદ્રા અમીનના પચીસ રન ટીમમાં હાઇએસ્ટ હતા. તુબા હાસને બાવીસ રન બનાવ્યા હતા અને ફાતિમા સના બાવીસ રન બનાવીને અણનમ રહી હતી.
એક તબકકે પાકિસ્તાનનો સ્કોર છ વિકેટે 61 રન હતો અને ત્યારે એવું લાગતું હતું કે નિદા દરની ટીમ 80 રન પણ નહીં બનાવે. જોકે તુબા-ફાતિમા વચ્ચે સાતમી વિકેટ માટે 31 રનની ભાગીદારી થતાં ટીમ-સ્કોર 92 સુધી પહોંચી ગયો હતો અને એ તબક્કે ફરી ધબડકો શરૂ થતાં ઉપરાઉપરી ચાર વિકેટ પડી ગઈ હતી.
સ્પિનિંગ-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ 20 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે રેણુકા સિંહ તેમ જ પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે બે-બે વિકેટ લીધી હતી. રાધા યાદવને 26 રનમાં વિકેટ નહોતી મળી. જોકે 18મી ઓવરમાં સૈયદા અરૂબા શાહ (બે રન)ને રાધા યાદવે જ રનઆઉટ કરી હતી.