ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતીય મહિલાઓ બંગલાદેશને કચડીને પહોંચી ગઈ એશિયા કપની ફાઇનલમાં

રેણુકા-રાધાના ત્રણ-ત્રણ વિકેટના તરખાટ બાદ સ્મૃતિ-શેફાલીની 83 રનની અતૂટ ભાગીદારી

દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
બંગલાદેશ સામેની સેમિ ફાઇનલ જીતવા માટે હરમનપ્રીત કૌરની ટીમ ફેવરિટ હતી અને ખરેખર એવું જ બન્યું. ભારતીય ટીમે બંગલાદેશને 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 80 રન બનાવવા દીધા હતા અને પછી સ્મૃતિ મંધાના (પંચાવન અણનમ, 39 બૉલ, એક સિક્સર, નવ ફોર) તથા શેફાલી વર્મા (26 અણનમ, 28 બૉલ, બે ફોર)ની ઓપનિંગ જોડીએ જ ટીમને ફક્ત 11 ઓવરમાં 81 રનનો લક્ષ્યાંક 83/0ના સ્કોર સાથે અપાવી દીધો હતો.

બંગલાદેશની ટીમે બૅટિંગ પસંદ કર્યા બાદ પહેલાં તો ભારતીય બોલર્સ સામે એની બૅટર્સનું કંઈ નહોતું ચાલ્યું અને પછી બંગલાદેશની બોલર્સે ભારતીય બૅટર્સ સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. ભારતે નવ ઓવર (54 બૉલ) બાકી રાખીને વિજય મેળવ્યો હતો. બંગલાદેશની પાંચમાંથી એક પણ બોલરને વિકેટ નહોતી મળી.

10 રનમાં બંગલાદેશની ત્રણ વિકેટ લેનાર પેસ બોલર રેણુકા સિંહને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
બીજી સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. જો એમાં પાકિસ્તાનનો વિજય થશે તો રવિવારે ફરી એક વખત ભારત-પાકિસ્તાન સામસામે આવી જશે. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવી દીધું હતું.

આ પણ વાંચો : ભારત સામે બંગલાદેશની ટીમ 8 વિકેટે ફક્ત 80 રન બનાવી શકી

હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ચારેય મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.

બંગલાદેશની કૅપ્ટન-વિકેટકીપર નિગાર સુલતાનાએ બૅટિંગ લીધા બાદ તેની બૅટર્સ પહેલી ઓવરથી જ વિકેટ ગુમાવવા લાગી હતી. રેણુકા સિંહના શરૂઆતના ત્રણ આંચકા બાદ બંગલાદેશની ટીમ ક્યારેય પાછી બેઠી નહોતી થઈ શકી. 14 ઓવરમાં ફક્ત 44 રનમાં બંગલાદેશની છ બૅટર પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી. ત્યાર બાદ ખુદ સુકાની નિગાર સુલતાના (51 બૉલમાં 32 રન) 20મી ઓવરમાં 80 રનના કુલ સ્કોર પર આઉટ થઈ હતી અને પછી એ જ અંતિમ ઓવરમાં એ જ ટોટલ પર બંગલાદેશનો દાવ 8/80ના સ્કોર સાથે પૂરો થયો હતો.

રેણુકા સિંહ ઉપરાંત લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવે પણ ત્રણ વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર તથા દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button